December 23, 2024

સુરતમાં બાળમજૂરી કરાવતા શખ્સની ધરપકડ, કતારગામ પોલીસની કાર્યવાહી

અમિત રુપાપરા, અમરેલીઃ બાળકો પાસે કામ કરાવવું તે કાયદાકીય રીતે ગુનાહિત પ્રવૃત્તિ છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં સમોસાના ગોડાઉનમાં બાળકો પાસે સમોસા બનાવડાવવાનું કામ કરતા ઈસમની ધરપકડ કરી છે. સુરતની કાપોદ્રા પોલીસે બાળકોને કતારગામના બાળાઆશ્રમમાં મોકલ્યા હતા અને બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી બાળકોના માતાપિતાને આ બાબતે માહિતી આપવામાં આવી હતી.

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશ મોહનભાઈને બાતમી મળી હતી કે, કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નાના વરાછા પાસે શક્તિ વિજય સોસાયટીમાં 98 અને 99 નંબરના મકાનમાં નાના બાળકો પાસે સમોસા બનાવડાવી રહ્યો છે.

આ બાતમીના આધારે કાપોદ્રા પોલીસના સ્ટાફ દ્વારા શક્તિ વિજય સોસાયટીમાં આવેલા મદનલાલ ડાંગીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન ચાર કિશોર બાળમજૂરી કરતા હોવાનું સામે આવ્યું હતું. મદનલાલ ડાંગી સમોસાના ગોડાઉનમાં આ બાળકો પાસે સમોસા બનાવડાવવાનું કામ કરતો હતો. પોલીસ દ્વારા જે ચાર બાળકિશોરોને મુક્ત કરાવવામાં આવ્યા છે, તેમની ઉંમર આશરે 12 વર્ષની માલૂમ પડી હતી. તેથી આ બાબતે કાપોદ્રા પોલીસ દ્વારા મદનલાલ દેવીલાલ ડાંગીની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાપોદ્રા પોલીસે મદનલાલ ડાંગીના ગોડાઉનમાં કામ કરતા ચાર બાળકોને મુક્ત કરાવી તેમને કતારગામના બાળાઆશ્રમમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બાબતે બાળકોના માતા-પિતાને માહિતી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળકોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે સામે આવ્યું હતું કે, મદનલાલ ડાંગી આ બાળકો પાસે ગોડાઉનમાં સમોસા બનાવડાવવાનું કામ કરાવતો હતો. સમોસા બન્યા બાદ અલગ અલગ દુકાનમાં આ સમોસાનું વેચાણ કરવા માટે પણ આ બાળકોને મોકલતો હતો. એકાદ મહિના પહેલાં જ મદનલાલ ડાંગી વતનના આજુબાજુના ગામથી ઓળખીતા વ્યક્તિઓના બાળકોને ગોડાઉન પર કામ કરવા માટે લાવ્યો હતો.