સુરતમાં વધુ એક વ્યાજખોરની ધરપકડ, 20 ટકા વ્યાજ લઈ પઠાણી ઉઘરાણી કરતો
અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંકથી પીડાઈ રહેલા લોકોની મદદ કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા ગરીબ લોકોને હેરાન પરેશાન કરી તેમની મજબૂરીનો લાભ ઉઠાવી પૈસા આપી બળજબરીપૂર્વક વધારે વ્યાજની વસૂલાત કરતા અથવા તો વધુ પૈસા પડાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આવા જ એક વ્યાજખોરની ધરપકડ સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઉમેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેને આઠ મહિના પહેલાં કોઈ કારણોસર પૈસાની ખૂબ જ જરૂરિયાત પડી હતી. તેથી ઉમેશ દ્વારા ઓળખીતા કમલેશ ચંદેલ નામના વ્યક્તિ પાસેથી 20 હજાર રૂપિયા લીધા હતા. કમલેશ ચંદેલે આ 20,000 રૂપિયા મહિને 20%ના વ્યાજે ઉમેશ પટેલને આપ્યા હતા. ઉમેશ પટેલે વ્યાજખોર કમલેશ ચંદેલને 26000 રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં કમલેશ ઉમેશ પટેલ પાસેથી વધુ 30 હજાર રૂપિયાની માગણી કરતો હતો.
આ કમલેશ અવારનવાર ફોન કરીને ઉમેશ પટેલ પાસેથી વ્યાજના પૈસાની માગણી કરતો હતો. આ ઉપરાંત તેને ગાળો આપી અપશબ્દો કહી અવારનવાર પરેશાન પણ કરતો હતો. અગાઉ બે વખત કમલેશે ઉમેશ પટેલને માર પણ માર્યો હતો અને ઉમેશ પટેલના ઘરે જઈ આ વ્યાજખોર કમલેશ પરિવારના સભ્યોની હાજરીમાં જ પૈસાની પઠાણી ઉઘરાણી કરતો હતો.
વ્યાજખોર કમલેશ ચંદેલના ત્રાસથી ઉમેશ પટેલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા અને અંતે તેમને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. તેવામાં સોશિયલ મીડિયા પર કે અન્ય માધ્યમથી પોલીસ દ્વારા વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવા મેસેજ ઉમેશ પટેલને મળ્યા અને તેમને આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા ફરિયાદી ઉમેશ પટેલને વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવી અને પોલીસે તાત્કાલિક અસરથી વ્યાજખોર કમલેશ ચંદેલની ધરપકડ કરી છે.