September 20, 2024

સાંસદ મનસુખ વસાવાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ, ફોરેસ્ટ વિસ્તારમાં ઘર બનાવ્યું-ખેડાણ કર્યું

પ્રવિણ પટવારી, નર્મદાઃ જિલ્લામાં 75મો વન મહોત્સવ રાજપીપળાના સરદાર ટાઉનમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવા અને અધિકારીઓ પર વિફર્યા હતા. વન મહોત્સવના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડીડીઓ, ડીઆરડીએ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડીએફઓ હાજર નહીં રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા અને ફોરેસ્ટ વિભાગે શુ કામગીરી કરી છે તેનો હિસાબ આપવો પડશે તેવું કહ્યું હતું.

વન મહોત્સવની નિમંત્રણ પત્રિકામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નામ હતું, પણ હાજર નથી રહ્યા, તે બાબતે પણ સાંસદે કહ્યું કે, ત્યાંના આગેવાન છે તો એમને હાજર રહેવું જોઈતું હતું. આ સાથે ચૈતર વસાવા પર આક્ષેપ કરતા સાંસદે કહ્યું કે, ડેડીયાપાડાના વિસ્તારોમાં ધારાસભ્ય જ જંગલ કાપો કાપો કરી રહ્યા છે.

સાંસદે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો કે, ‘એક રાજકીય આગેવાન થઈને ફોરેસ્ટની જમીનમાં મકાન બનાવી દીધું છે અને આજુબાજુની જમીન પોતે અને તેમના પરિવારના લોકો ખેડી રહ્યા છે. એકલો મનસુખ વસાવા બોલતો રહેશે એ નહીં ચાલે બધાએ બોલવું પડશે. જો ફોરેસ્ટ વિભાગ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે. ચૈતર વસાવા હોઈ કે પછી બીજો કોઈ પણ ચમરબંધી હોય, મનસુખ વસાવાને કોઈનો ડર નથી. મનસુખ વસાવા એમનેમ ગુસ્સો નથી કરતો. એનું યોગ્ય કારણ પણ હોય છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને ફોરેસ્ટના અધિકારીઓને આગામી દિવસોમાં તમામ આગેવાનોની મિટિંગ રાખવા પણ સૂચના આપી છે. જેમાં ફોરેસ્ટ વિભાગે શું કર્યું તેનો હિસાબ આપવો પડશે.’