September 20, 2024

બાવળા નકલી હોસ્પિટલ મામલે પુરાવા નષ્ટ કરવા હોસ્પિટલમાં ઘૂસ્યા હતા આરોપીઓ

જયેશ ચૌહાણ, અમદાવાદ: અમદાવાદના બાવળા તાલુકામાં કેરાળા GIDC વિસ્તારમાંથી ઝડપાયેલી નકલી હોસ્પિટલ કેસમાં વધુ 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને ચોક્કસ માહિતી આધારે કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને હાલ પોલીસે પકડયા છે. ત્યારે, એવી હકીકત પણ સામે આવી છે કે પકડાયેલા આરોપીઓએ પોલીસથી બચવા હોસ્પિટલ સીલ હોવા છતાં કેટલાક પુરાવાઓ અને CCTV ફૂટેજમાં છેડછાડ કરવા હોસ્પિટલમાં ઘુસ્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની ગીરફ્તમાં રહેલા આ 7 આરોપીઓ નકલી હોસ્પિટલની સાથે લબોરેટરી પણ ચલાવતા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. જેને કારણે સીલ કરાયેલી અનન્યા હોસ્પિટલમાથી પુરાવા નાશ કરવાના ઇરાદે CCTVનુ N.V.R રેકોર્ડર ગુમ કરવાનો તેમના પર આરોપ છે. અનન્યા હોસ્પિટલમાં બોગસ પુજા પેથોલોજી લેબ ચલાવનાર સહીત 7 આરોપીઓને કેરાળા GIDC પોલીસે ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓમાં સ્મિત રામી,જયેશ ચાવડા,દિનેશ મકવાણા,વિશાલ પરમાર,તરૂણ ગોહીલ,રાજીવ ઉર્ફે ભુદેવ શર્મા,કિશન ઠાકોર સામેલ હતા.

પોલીસના દાવા પ્રમાણે અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ચલાવવામા આવતી બોગસ પુજા પેથોલોજી લેબમાં કોઇ પણ પ્રકારની ડીગ્રી કે રજીસ્ટ્રેશન વિના જ દર્દીઓના મેડીકલ સેમ્પલ લઈ પુથ્થકરણ કરી ખોટા લેબ રીપોર્ટ તૈયાર કરવામાં આવતા હતા. આ કેસમાં પોલીસ દ્વારા બાવળાની હોસ્પિટલમાં પંચનામું કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન હોસ્પિટલના પાછળના ભાગે બારીના કાચને તોડી દરવાજો ખોલી અજાણ્યા ઈસમોએ હોસ્પિટલમાં પ્રવેશી હોસ્પિટલમાં અને ડોક્ટરની ઓફિસમાં લગાવેલી સીસીટીવીના ડીવીઆર ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ તો બાવળા જીઆઇડીસી પોલીસે ડીવીઆર પણ કબજે કરી એફએસએલમાં તપાસ માટે મોકલી આપી છે જેથી સીસીટીવીમાં છેડછાડ થઈ છે કે કેમ તે અંગેના પુરાવાઓ પ્રાપ્ત કરી શકાય.

આ મામલે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ 1963 ની કલમ 30 તેમજ BNS કલમ 125 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં ગુનાની ગંભીરતા જોતા અન્ય 4 કલમો ઉમેરવામાં આવી છે. હાલમાં કેરલા GIDC પોલીસે પકડેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે આરોપી જયેશ ચાવડાએ લેબ ટેક્નિશિયનનો અભ્યાસ કરેલો છે જેથી આખી લેબોરેટરી તેના હસ્તગત ચાલતી હતી. જ્યારે લેબમાં કામગીરી કરવામાં 10 પાસ એવા દિનેશ મકવાણા કામ સંભાળતો.

જોકે પેશન્ટના રિપોર્ટ લેવાથી લઈ નર્સિંગના કામમાં વિશાલ પરમાર મદદગારી કરતો. પોલીસે તપાસ દરમિયાન આરોપી પાસેથી લેબના ચોરી લીધેલા કાગળો પણ કબ્જે કર્યા છે.અને સીલ કરેલી સંસ્થાના ને તોડી પુરાવાઓ નાશ કરવા પ્રયત્ન કરેલો તેના માટે કલમનો ઉમેરો કરી વધુ તપાસ શરૂ કરી છે હાલ પકડાયેલા સાથે આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર છે ત્યારે એનવીઆર પણ એફએસએલમાં તપાસ સાથે મોકલાવી છે જેથી આરોપી ડેટા ટેમ્પરિંગ કર્યું છે કે કેમ તે અંગે ચોક્કસ માહિતી મેળવી શકાય.