October 5, 2024

વાપી-સેલવાસ હાઇવે પર પડેલા ખાડા બન્યા જોખમી, હાઇવે ઓથોરીટી સામે સ્થાનિકોનો આક્રોશ

હેરતસિંહ રાઠોડ, વલસાડ: વલસાડ જિલ્લામાં વરસાદમાં રસ્તાઓ પર પડેલ ખાડાઓથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાપી-સેલવાસ રોડ પર પડેલા ખાડાથી ધો.12ની વિદ્યાર્થિનીનું અકસ્માતમાં મોત નિપજવાની ઘટનાથી વાપીવાસીઓમાં રોષ ફેલાયો છે. વાપીથી સેલવાસ જતો નેશનલ હાઇવે નંબર 848Aનો રસ્તો બિસ્માર બન્યો છે. ત્યારે, વિપક્ષ અને સ્થાનિકોએ તંત્ર અને અધિકારીઓ પર બળાપો કાઢ્યો હતો. સ્થાનિકોની સમસ્યા અને બિસ્માર હાઇવેને લઈને ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં તંત્રની આળસ અને બેદરકારી આંખે ઉડીને વળગી હતી.

2013માં વાપી સેલવાસ આરસીસી રોડ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટીને આ માર્ગ સોંપી દેવામાં આવ્યો હતો. વાપી સેલવાસ 848A નેશનલ હાઇવે 16 વર્ષથી રીપેર કરવામાં આવ્યો નથી. હજી સુધી રીપેરનું ટેન્ડર ન ભરાતા માર્ગ બિસ્માર બન્યો છે. ત્યારે, સેલવાસથી વાપી હાઇવેનું ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું. જેમાં હાઇવે પર અનેક ખાડાઓ જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ ખાડાઓમાં પાણી પણ ભરાયેલ જોવા મળ્યા હતા. જેને લીધે લોકો આ રસ્તા પરથી પસાર થતા ભય અનુભવે છે. ખાડા ક્યાં છે અને રસ્તો ક્યાં છે તેની ખબર જ વાહનચાલકોને અંદાજ પણ નથી આવીઓ શકતો. જેને કારણે અકસ્માત થવાનો ડર રહે છે. ત્યારે, હજુ ગઇકાલે જ આ ખાડાઓએ વાપીની એક 12માં ધોરણમાં અભ્યાસ કરતી બાળકીનો ભોગ લીધો છે. અકસ્માત અને અકસ્માતોની દહેશત છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી. ત્યારે, આ ઘટનાથી વાપી અને વલસાડ વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહત્વનું છે કે, ગઈકાલે વાપીમાં એક સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી 19 વર્ષીય મનિષા પ્રકાશભાઈ ગજરા રાબેતા મુજબ સ્કૂલથી ઘરે આવ્યા બાદ મોપેડ લઇને ટ્યુશન જવા માટે નીકળી હતી. ડુંગરાથી વાપી તરફ જતી વખતે હરિયા પાર્ક નજીક રસ્તા ઉપર અચાનક ખાડો આવી જતા તેનાથી બચવા જતાં યુવતીએ ટર્ન કાપવા જતા સ્લીપ થયા બાદ તે માર્ગ ઉપર પટકાઇ હતી. તે જ સમયે પાછળથી આવી રહેલા ટેમ્પો નીચે આવી જતા યુવતીના માથા ઉપરથી ટાયર ફરી વળતા યુવતીનું સ્થળ ઉપર મોત થયું હતું. જોકે અકસ્માત થતા જ ટેમ્પો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો સહિત ભાનુશાલી સમાજના લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉઠાવી લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. બનાવની જાણ થતા ડુંગરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને લાશનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ મૃતક યુવતીના પિતા 8 વર્ષ અગાઉ મોતને ભેટતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યો હતો. પરિવારમાં માતા સાથે પુત્ર-પુત્રી હતા અને તેમાં પણ પુત્રી મોતને ભેટતા શોકનો માહોલ છવાયો છે.

વાપી સેલવાસ રોડ પર બનેલી ઘટના બાદ લોકોએ તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો અને નેતાઓ પર રોષ ઠાલવ્યો હતો અને હજી કેટલા લોકોનો જીવ આ ખાડાઓ લેશે તેવો સવાલ ઉઠાવ્યા છે. ત્યારે, હાલ તો વરસાદ રોકાયા છતાં વાપીમાં ખાડા પુરાણનું કામ કરવા નેશનલ હાઇવે ઓથોરિટી પાસે માણસો નથી એવુ વલસાડ ખાતે નેશનલ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું છે. ત્યારે હવે જોવાનુંએ રહ્યું આ ખાડા ક્યારે પૂરવામાં આવશે કે હજી કોઈના ભોગ લેવાશે.