December 4, 2024

બનાસકાંઠામાં 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષક સસ્પેન્ડ કરાયા: DEO

બનાસકાંઠા: સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ભૂતિયા શિક્ષકોનો મામલો જોરદાર ગરમાઈ રહ્યો છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ભૂતિયા શિક્ષકોને લઈને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે. બનાસકાંઠા DEO દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે વધુ 6 સામે કાર્યવાહી ચાલુ છે.

બનાસકાંઠા DEOએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે જિલ્લામાં બિન અધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આવા ચાલુ ડયુટીએ સતત ગેરહાજર રહેલા 33 જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે અને વધુ 6 ભૂતિયા શિક્ષકોને નોટિસો આપવામાં આવી છે.

DEOએ વધુમાં જણાવ્યું છે કે ચાલુ નોકરીએ વિદેશ ચાલ્યા ગયા હોવાથી આવા શિક્ષકો હાજરી આપી શકતા નથી અને એટલે જે તેઓ રાજીનામું નથી આપી શક્યતા. રાજીનામું આપવા માટે હાજર થવું જરૂરી છે. વધુમાં શિક્ષણાધિકારીએ જણાવ્યું છે કે 2006ના ઠરાવ મુજબ ગેરહાજર રહેતા આવા ભૂતિયા શિક્ષકો સામે સીધી કાર્યવાહી નથી કરી શકાતી.