January 15, 2025

સુરતમાં ખોટા બીલ બનાવી જ્વેલરી શોપમાં છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના લિંબાયત અને ચોક બજાર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચહેરા ઉપર માસ્ક અને ટોપી લગાવી સોનાની ખરીદી કર્યા બાદ પોતાના ખોટા નામથી બિલ બનાવી બેંકના ડેબિટના મેસેજનું એડિટિંગ કર્યા બાદ ઠગાઈ આચરતા મહાઠગની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. આ સાથે જ ત્રણ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી પાસેથી મળી આવેલી મોપેડ પણ ચોરીનું હોવાનું બહાર આવતા પોલીસ ચોપડે નોંધાયેલા વાહનચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. આરોપી પાસેથી કુલ 92 હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી અગાઉ પણ 10 જેટલા ગુના આચરી ચૂક્યો છે અને તેની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં અન્ય ગુના ઉકેલાવાની પણ શક્યતા રહેલી છે.

લિંબાયત પોલીસના ઝાપતા વચ્ચે ઉભેલા આ શખ્સનું નામ દેવલ ઉર્ફે ડેવિડ જીતેન્દ્ર શિંદે છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતો દેવલ ઉર્ફે ડેવિડ અનેક જ્વેલર્સ વેપારીઓને લાખોનો ચૂનો ચોપડી ચૂક્યો છે.આરોપી મોઢે માસ્ક અને ટોપી પહેરી શહેરની જ્વેલર્સની દુકાન પર સોનાની ખરીદીના બહાને જાય છે. દુકાને જઈ પહેલાં તો વેપારીને વિશ્વાસ અને ભરોસામાં લઈ ત્યારબાદ સોનાની ખરીદી કરી છે. જે સોનાની ખરીદી કર્યા બાદ પોતાના ખોટા નામથી બિલ બનાવડાવે છે. જે બીલનું પેમેન્ટ બેંકના ડેબિટ કાર્ડથી કર્યું હોવાનો ખોટો મેસેજ બતાવી વેપારી જોડે છેતરપિંડી આચરે છે. અસ્સલ તે મેસેજનું એડિટિંગ કરી પેમેન્ટ કર્યાનું વેપારીને બતાવવામાં આવે છે. જેનાથી વેપારીને પણ વિશ્વાસ અને ભરોસો આવી જતો હોય છે પરંતુ બાદમાં પેમેન્ટ બેંક એકાઉન્ટમાં જમા ન થતાં વેપારીને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થાય છે.

પોલીસ પકડમાં ઉભેલા આ ઠગબાજે એક નહીં પરંતુ આવા અનેક વેપારીઓને લાખો રૂપિયાનો આ પ્રકારે ચૂનો ચૂનો ચોપડ્યો છે. જેમાં આરોપીએ લિંબાયત વિસ્તારમાં આવેલા જયશ્રી જ્વેલર્સ નામની દુકાનના વેપારી જોડે પણ છેતરપિંડી કરી હતી. અહીં આવેલી દુકાનમાં આ મહાઠગ મોઢે માસ્ક અને માથે ટોપી પહેરી ગયો હતો. જ્યાંથી તેણે સોનાની ચેન, બુટ્ટી અને પેન્ડલ મળી 2.20 લાખ રૂપિયાની કિંમતનું સોનું ખરીદ્યું હતું. જે સોનાનું બિલ પણ તેણે ખોટા નામે બનાવડાવ્યું હતું. જે સોનાનું પેમેન્ટ તેણે ઓનલાઈન કરવાનું કહી દુકાનમાં રહેલા ક્યુઆર સ્કેનરને સ્કેન કરી ઓનલાઈન પેમેન્ટ કર્યાનો ખોટો સ્ક્રિનશોટ વેપારીને મોબાઈલમાં બતાવી ખોટો દેખાવ કર્યો હતો. આમ લિંબાયતના વેપારી જોડે ઠગ દ્વારા 2.20 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી.

તેવી જ રીતે આરોપી ઠગ દ્વારા સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી સરગમ જ્વેલર્સ નામની દુકાનના વેપારીને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. જે વેપારીની દુકાનમાંથી આરોપીએ 22 કેરેટની અલગ અલગ બે વીંટીની ખરીદી કરી હતી. જેનું પેમેન્ટ પણ ઓનલાઈન કર્યાનો સ્ક્રિનશોટ બતાવી ઠગાઈ આચરી હતી. આરોપી ઠગબાજ અહીં સુધી સીમિત નહોતો. તેણે સલાબતપુરા વિસ્તારમાંથી પાર્ક કરેલી મોપેડની ચોરી પણ કરી હતી. હીરામણી ચાલ કોશોર ચાઈનીઝની લારી પાસેથી તેણે મોપેડ ચોરી કરી હતી. જે કબૂલાત તેણે પોલીસ સમક્ષ કરી હતી. જ્યાં પોલીસે આરોપી પાસેથી ચોરીની મોપેડ પણ કબ્જે કરી હતી.

લિંબાયત પોલીસની તપાસમાં ચોકબજાર અને લિંબાયત પોલીસ ચોપડે બે અલગ અલગ જ્વેલર્સ વેપારીઓ જોડે બનેલી છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ઉપરાંત સલાબત પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા હાથ લાગી હતી. આરોપી ઠગબાજ અગાઉ પણ દસ જેટલા અલગ અલગ ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. જેમાં સચિન જીઆડીસી, ડીંડોલી, ઉમરા, અડાજણ, રાંદેર, પુણા અને ઉધના પોલીસ મથકમાં અગાઉ આરોપી વિરુદ્ધ ઘરફોડ, ચોરી જેવા ગુનાઓ નોંધાયા છે. આરોપી દેવલ ઉર્ફે ડેવિડ ખૂબ જ શાતિર ગુનેગાર છે. આરોપીએ શહેરના અનેક જ્વેલર્સ વેપારીઓ જોડે આ પ્રમાણેની છેતરપિંડી આચરી ચૂક્યો હોવાની શક્યતાઓ રહેલી છે. આ શક્યતાઓને પગલે પોલીસે આરોપી પાસેથી કુલ 92 હજારની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.