સુરતમાં આદિવાસી તેલનો મોટો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો, એકની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ વર્તમાન સમયમાં આદિવાસી તેલ સમગ્ર દેશમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. ત્યારે આદિવાસી તેલની ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ કરી લોકો સાથે છેતરપિંડી થતી હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.
આદિવાસી તેલની 3,000 કરતાં વધારે બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઈસમ પાસે તેલ વેચવા માટેનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ નહોતું અને હવે પોલીસ દ્વારા કંપનીના માલિકોનો સંપર્ક કરી આ તેલ ઓરિજનલ છે કે નકલી તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ગોડાદરા પોલીસને તપાસ દરમિયાન 3350 જેટલી આદિવાસી તેલની બોટલો મળી આવી હતી. આ તમામ મુદ્દામાલની કિંમત 14.50 લાખ હોવાનું સામે આવ્યું છે. તેલના જથ્થાની સાથે જે વ્યક્તિ મળ્યો હતો તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અરવિંદ નામના ઇસમ દ્વારા આ આદિવાસી તેલનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા અરવિંદની અટકાયત કરી તેની પાસે રહેલો આદિવાસી તેલની બોટલનો તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બોટલો કોની પાસેથી મંગાવવામાં આવી છે તે બાબતે તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર તપાસ કરતા પોલીસે કંપનીના માલિકોનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે.
અરવિંદ નામનો વ્યક્તિ જ્યાં બોટલ સાથે ઝડપાયો છે, તેની પાસે આદિવાસી તેલનું વેચાણ કરવાનું કે આદિવાસી તેલનો સંગ્રહ કરવા બાબતે કોઈપણ પ્રકારનું લાઇસન્સ નથી. તેથી પોલીસ દ્વારા હાલ તો કંપનીના માલિકોનો સંપર્ક કરી અને આ તેલ ઓરિજનલ છે કે નકલી તે બાબતે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.