September 20, 2024

ફ્રેન્ડશીપ ડે: કેશોદના પક્ષીપ્રેમીને પંખીઓ સાથે છે અનોખી મિત્રતા

સાગર ઠાકર, જુનાગઢ: ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે, જૂનાગઢ જીલ્લાના કેશોદના હરસુખભાઈ ડોબરીયાને પક્ષીઓ સાથે અનોખી મિત્રતા બંધાઈ ગઈ છે હરસુખભાઈની પોપટ સાથે એવી તે મિત્રતા કેળવાઈ ગઈ છે હવે તેને પોપટ વગર ગમતું નથી અને પોપટને હરસુખભાઈ વગર ગમતું નથી, કારણ કે છેલ્લા 27 વર્ષથી હરસુખભાઈનો પોપટ સાથે એક અનોખો નાતો બંધાઈ ગયો છે.

કહેવાય છે કે જીવનમાં કોઈ એક ક્ષણ એવી આવી જાય કે તેનાથી સમગ્ર જીવનમાં પરિવર્તન આવી જાય. હરસુખભાઈ સાથે પણ આવું જ કાંઈક બન્યું. 27 વર્ષ અગાઉ કોઈ અકસ્માતે તેમને ફેક્ચર થતાં તે ચાલી શકતા ન હતા તેથી સમય પસાર કરવા મિત્રો આવતાં વાતો કરતાં અને એક વખત તેમના મિત્ર તેમના માટે બાજરાના લીલા ડુંડવા લાવ્યા અને સૌ મિત્રોએ બાજરાના લીલા ડુંડવાનો પોંક કરીને ખાધો, જે થોડા ઘણાં બાજરાના ડુંડા વધ્યા તે સુકાઈ જતાં તેમાં દોરી બાંધીને લટકાવી દીધા જેને ખાવા માટે પ્રથમ એક બે પોપટ આવતાં, તે નિયમિત આવવા લાગ્યા એટલે હરસુખભાઈએ વધારે બાજરાના ડુંડા લાવીને બાંધ્યા આમ આ સિલસિલો યથાવત થયો અને દિનપ્રતિદિન વધુને વધુ પોપટ બાજરો ચણવા આવવા લાગ્યા.

હરસુખભાઈને પણ પોપટ માટે પ્રેમ થઈ ગયો અને સાથે તેમની મહેનત પણ વધી ગઈ, ધીમે ધીમે કરતાં આ સંખ્યા સો બસો નહીં પરંતુ હજારોને આંબી ગઈ છે. જી હાં. એકી સાથે હજારો પોપટ દરરોજ હરસુખભાઈના ફળીયામાં દાણા ચણવા આવે છે. એટલું જ નહીં પોપટની સાથોસાથ સુગરી પણ આવે છે, સાથે કબુતર, કાબર, ચકલી, હોલા જેવા અન્ય પક્ષીઓ પણ ચણવા આવે છે. અને આ હવે હરસુખભાઈના જીવનનો એક ક્રમ બની ગયો છે પોપટ તેમના જીવનનો એક ભાગ નહીં પરંતુ તેમના પરિવારના સદસ્ય બની ગયા છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી.

હરસુખભાઈની ઉંમર 77 વર્ષની છે તેમના પરિવાર સાથે કેશોદ શહેરમાં જ રહે છે, પોતે ખેડૂત છે એટલે ખેતીની જમીન પણ છે તમને આશ્ચર્ય થશે કે ખેતીની જે ઉપજ થાય છે તે પણ પોપટ માટે રાખી દે છે. ચોમાસાના ચાર મહિના તેમના ફળીયામાં પોપટ આવે છે અને તેના માટે દોઢ લાખની કિંમતનો બાજરો અને 50 હજારના શીંગદાણાનો તેમને ખર્ચ થાય છે, હરસુખભાઈ આ ખર્ચ રાજીખુશીથી ઉઠાવે છે તેમને આનંદ છે તેમનું કહેવું છે કે હું અત્યારે મારી ચોથી પેઢીને રમાડું છું તેનાથી વિશેષ આનંદ બીજો શું હોય શકે.

પોપટ આરામથી દાણા ચણી શકે અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ તેને હેરાન ન કરે તે માટે તેમણે 10 વર્ષ પહેલાં 45 હજારના ખર્ચે ખાસ સ્ટેન્ડ પણ બનાવ્યું હતું જેમાં બાજરાના ડુંડા ખોસી દીધા હોય અને પક્ષીઓને દાણા ચણવાની પણ સરળતા રહે.

હરસુખભાઈ સાથે તેમના પરિવારજનો પણ પક્ષીપ્રેમી છે, સમગ્ર પરિવાર સવાર થતાંની સાથે જ પોપટના ભોજનની વ્યવસ્થાના કામમાં લાગી જાય છે. પક્ષીઓના ભોજન માટે હરસુખભાઈને એક સમયે પાંચસો રૂપીયાનો ખર્ચ થતો હતો અને ધીમે ધીમે પક્ષીઓની સંખ્યા વધતાં આજે એ ખર્ચ બે લાખ રૂપીયાને આંબી ગયો છે. તેમ છતાં હરસુખભાઈ કોઈપણ પ્રકારના ફંડ ફાળા વગર પોતાનો ખર્ચ ઉઠાવે છે. તેમનું માનવું છે પક્ષીઓ સાથે તેમના લાગણીના સબંધો બંધાઈ ગયા છે જ્યારથી પક્ષીઓ તેમના ઘરે આવવા લાગ્યા ત્યારથી બરકત થઈ છે અને જ્યાં સુધી ઈશ્વરની મરજી હશે ત્યાં સુધી તેઓ પક્ષીઓની સેવા કરશે, હરસુખભાઈ હંમેશા લોકોને અપીલ કરે છે કે પક્ષીને ક્યારેય બાંધીને ન રાખો મતલબ કે પાંજરામાં ન રાખો. તેમની આ અપીલ થી અનેક લોકોએ પોતાની પાળેલા પોપટ હરસુખભાઈને સોંપ્યા અને હરસુખભાઈએ તેમને મુક્ત ગગનમાં વિહરતાં કર્યા આમ તેઓ જનજાગૃતિનું કામ પણ કરી રહ્યા છે.