January 3, 2025

વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલ આંખ; એકની ધરપકડ, બે ફરાર

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની ઉધના પોલીસે લોકો પાસેથી ગેરકાયદેસર રીતે વધારે વ્યાજ વસૂલી લોકોને ધાકધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેતા ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે અને મુખ્ય ઈસમ લાલી ઉર્ફે ધર્મેન્દ્ર હંજરાની ધરપકડ કરી છે. આ ઉપરાંત રવિ અને મોહન મરાઠીને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના એક વ્યક્તિએ ઉધનાના વ્યાજખોર લાલીના આતંકથી ત્રાહિમામ પોકારીને પોલીસને રજૂઆત કરી હતી. ત્યારે સુરત શહેર પોલીસે વ્યાજખોરો સામે અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત તાત્કાલિક અસરથી ઉધના પોલીસે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉધના પોલીસે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી, રવિ અને મોહન મરાઠે સામે ગુનો દાખલ કર્યો છે અને ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વલસાડની કોલાક નદી પર પુલનું કાર્ય પૂર્ણ

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પાસે નાણાં ધીરધારનું લાયસન્સ હતું. પરંતુ તે આ લાયસન્સમાં નિયમોનું પાલન કરતો ન હતો અને નિયમોથી ઉપરવટ જઈને ગેરકાયદેસર રીતે માસિક 10 ટકાથી લઈ 20 ટકા સુધીના વ્યાજની વસૂલાત કરતો હતો.

ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીએ ઓગસ્ટ 2019માં ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પાસેથી વેપાર ધંધા માટે 12 ટકા લેખે 2 લાખ રૂપિયા લીધા હતા. જો કે લાલીએ નિયમ વિરુદ્ધ 24 હજાર રૂપિયા વ્યાજ કાપીને ફરિયાદીને 1,76,000 હજાર રૂપિયા આપ્યા હતા અને 24,000ના 7 હપ્તા ચૂકવવા પેટે આ પૈસા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 75 પાલિકામાંથી હટશે વહીવટદારોનું ‘રાજ’, ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે પાલિકા-પંચાયતની ચૂંટણી

ફરિયાદી દ્વારા 24 હજાર રૂપિયાના 7 હપ્તા લાલીને ચૂકવવામાં આવ્યા હતા અને 1,68,000 ચૂકવી દીધા હતા. છતાં પણ લાલી ફરિયાદીને મારી નાંખવાની ધમકી આપતો હતો. 2 લાખના બદલામાં 5,15,000 રૂપિયા વસૂલી લીધા હતા. આ ઉપરાંત વ્યાજના અલગથી 1,68,000 રૂપિયા પણ વસૂલ્યા હતા એટલે લાલી દ્વારા ફરિયાદી પાસેથી 6,83,000 લાખ રૂપિયા વસૂલી લેવામાં આવ્યા હતા.

2 લાખ રૂપિયાના બદલામાં 6,83,000 રૂપિયા લીધા હોવા છતાં પણ લાલી દ્વારા એપ્રિલ 2023માં ફરિયાદીને 3 લાખ રૂપિયા બાકી હોવાનું જણાવીને ફરિયાદી પાસેથી લીધેલા ચેકમાં 15 લાખ રૂપિયા લખીને ચેક બાઉન્સ કરાવી કેસ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત લાલી તેમજ તેના મિત્રોએ સાથે મળીને ફરિયાદીને અપશબ્દ કર્યા હતા અને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

આટલું જ નહીં, લાલીએ મિત્ર રવિ પાસે ધમકી અપાવી હતી. મોહન નામના ઇસમને ફરિયાદીના ઘરે મોકલીને ઘરમાંથી ઓફિસ સુધી લઈ જવાની ધમકી પણ અપાવી હતી. જો કે, અંતે ફરિયાદીએ આ લાલીના ત્રાસથી ત્રાહિમામ પોકારીને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે સમગ્ર મામલે IPCની કલમ 386, 506 (2), 294 (ખ), 114 તેમજ ગુજરાત નાણાં ધીરધાર એક્ટની કલમ 40, 42 (ડી ) મુજબ કાર્યવાહી હાથ ધરી હતી અને હાલ પોલીસે વ્યાજખોર ધર્મેન્દ્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત રવિ તેમજ મોહન મરાઠેને વોન્ટેડ જાહેર કર્યા છે.

મહત્વની વાત છે કે, આ લાલી સામે અગાઉ પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. જેમાં ઉધના પોલીસ સ્ટેશનમાં 4 ગુના નોંધાયા છે. તો લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે અને 2012માં સુરત તેમજ જિલ્લામાંથી 2 વર્ષ માટે લાલીને તડીપાર પણ કરવામાં આવ્યો હતો.