December 22, 2024

તેમણે આપણી ઓફિસ તોડી, હવે આપણે તેમની સરકાર તોડવાની છે: રાહુલ ગાંધી

અમદાવાદ: રાહુલ ગાંધીની અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે જેના પગલે અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેયાયો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિંદુઓને લઈ જે નિવેદન આપ્યું હતું તેને લઈ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે રાહુલ ગાંધીના આજના કાર્યક્રમોમાં ફેરફાર થવાની શક્યતા છે. અમદાવાદમાં આવતીકાલે રથયાત્રા નિકળવાની છે અને આ દરમિયાન શહેરમાં કોઈ અટકચાળો ન થાય તે માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને શહેરની સુરક્ષામાં વધોરો કરી દીધો છે. પાલડી ખાતે પણ પોલીસે તકેદારીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસ ભવન ખાતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેમણે આપણા કાર્યલડમાં તોડફોડ કરી છે, પરંતુ તમે ડરતા નહીં, કોંગ્રેસ પાર્ટીનો સિમ્બોલ જ નિર્ભય રહેવાનો છે. કોંગ્રેસ પાર્ટીમાં કોઈ ડરતું નથી. આપણી પાર્ટીમાં દિલથી વાત થાય છે. સારૂ હોય કે ખોટું સામે જ બોલી દેવાનું. આપણે કોઈ વાત કરતા કે સાંભળતા પણ ડરવાનું નહીં. BJPમાં નરેન્દ્ર મોદી છે તેમની ટીમ પણ છે પરંતુ તેમની ટીમના લોકો જ મોદીને પસંદ કરતા નથી, તેઓ આ વાત કહેવાથી ડરે છે. તેમના કાર્યકર્તાઓમાં કોઈ દમ નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે પહેલા જ કહ્યું હતું કે, ડરો નહીં અને ડરાવશો નહીં. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અંગ્રેજો સામે લડ્યા છે. તેઓ કોઈનાથી ડરતા નથી. કોંગ્રેેસમાં બધા ટાઈગર છે. જ્યારે ગુજરાતમાં અંગ્રેજો હતા ત્યારે પણ ગાંધીજીએ કહ્યું હતું કે, ડરશો નહીં અને ડરાવશો નહીં. આ લોકોએ જ્યારે આપણી ઓફિસ તોડી છે ત્યારે જ મેં વિચારી લીધુ હતું કે, હવે આપણે આમની સરકાર તોડીશું.

અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી પહોંચતા જ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જુસ્સો આવી ગયો હતો. આ દમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને જનનાયક ગણાવ્યા હતા. સાથે જ તેમણે રાહુલ ગાંધીને સાચા શિવભક્ત ગણાવ્યા હતા. બીજી બાજુ રાહુલ ગાંધીના લોકસભામાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના જે પાંચ બબ્બર શેરને પોલીસે પકડ્યા છે તેમની સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે.

અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત
વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ તેમનું શક્તિસિંહ ગોહિલે સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ કોંગ્રેસ કાર્યલય જશે અને તે બાદ તેઓ અમદાવાદ સાબરમતી જેલમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને મળવા માટે જાય તેવી શક્યતા છે.

પીડિત પરિવારો કોંગ્રેસ ભવન પહોંચ્યા
રાજકોટનો TRP ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ, મોરબી ઝૂલતો પૂલ દુર્ઘટના અને સુરતની તક્ષશીલા અગ્નિકાંડમાં અનેક લોકોનો જીવ ગયો છે. ત્યારે આ ચારેય ઘટનાના પીડિત પરિવાર આજે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે  પહોંચી ગયા છે. આ તમામ પીડિત પરિવારો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે.

VHP અને બજરંગદળના કાર્યકર્તાઓની અટકાયત
આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે જેમનો વિરોધ અમદાવાદના વીએચપી કાર્યાલય ખાતે કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આજે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે શહેરમાં રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ કરવામાં આવે. જે અંતર્ગત આજે રાહુલ ગાંધીના પોસ્ટરને ચપ્પલ મારી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યાં જ આજે રાહુલ ગાંધી વાસણા જવાના સંદર્ભમાં VHP કાર્યકર્તાઓ તેમના કાફલાને અટકાવી શકે છે તેવા ઈનપુટ મળતા અમદાવાદ પોલીસે વિશ્વ હિંદુ પરિષદના આશરે 100 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.

શહેરમાં પાલડી કાર્યલય ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરતા તેમનું પુતળું સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આ કાર્યકર્તાઓને તેમ કરતા અટકાવ્યા હતા. આ દરમિયાન VHP કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પોસ્ટરને ચપ્પલ મારી વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં જ કેટલાક કાર્યકર્તાઓએ ઇટાલિયન પિઝા નહીં ચાહિયે ના પોસ્ટર તૈયાર કર્યા હતા.આ મામલે VHP કાર્યકર્તા ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી હિંદુ સમાજની લાગણી દુભાઈ છે.

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ

આજે બપોરે 12.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
બપોરે 12.30 કલાકે ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકરોને મળશે.
કોંગ્રેસ કાર્યકરોને મળવા વાસણા પોલીસ સ્ટેશન પહોંચશે.
1-1.30 કલાકે પ્રદેશ કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધન કરશે.
રાજકોટ ટીઆરપી, હરણી, મોરબી, તક્ષશીલા દુર્ઘટનાનાં મૃતકોના પરિવારને રાહુલ ગાંધી બાદમાં મળશે.