December 22, 2024

Monsoon 2024: રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

અમદાવાદ: રાજ્યમાં ચોમાસું સંપૂર્ણ રીતે બેસી ગયું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં 47 તાલુકામાં 1 ઈંચ કે 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે 84 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ત્યાં જ સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં પોણા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. આવામાં અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રએ રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં જ મહિસાગર, ભરુચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના આગમન પહેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું

ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં જ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી, જુનાગઢ અને કચ્છમાં યેલો એલર્ટ અપાયું છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં આજે સવારે 6.00 થી 8.00 વાગ્યા સુધીમાં 16 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે અને નવસારીના ગણદેવી અને વલસાડના પારડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.