December 21, 2024

ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યું Share Market, સેન્સેક્સ પ્રથમવાર 80,000ને પાર

Share Market Opening: મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર બુધવારે નવા ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યું હતું. સેન્સેક્સ પ્રથમ વખત 80,000ને પાર કરી ગયો હતો, તો નિફ્ટી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક સેન્સેક્સે તેની સતત તેજી ચાલુ રાખીને આજે સવારના વેપારમાં નવા ઐતિહાસિક સીમાચિહ્નો હાંસલ કર્યા હતા. નિફ્ટી-50 24,292ની નવી ઓલ ટાઈમ હાઈ અને 24,300ની સપાટીને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ 572 પોઈન્ટ વધીને 80,013 પર ખુલ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 168 પોઈન્ટ વધીને 24,291 પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 704 પોઈન્ટ વધીને 52,872 પર ખુલ્યો હતો. દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકે પણ હેડલાઈન્સ બનાવી હતી.

આ શેર્સમાં સૌથી વધુ મૂવમેન્ટ
એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી લાઇફ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા કન્ઝ્યુમર ટ્રેડ દરમિયાન NSE નિફ્ટીમાં મુખ્ય લાભાર્થીઓમાં હતા, જ્યારે સન ફાર્મા, TCS, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ નકસાનમાં રહ્યા હતા.

વિશ્વ બજારમાં શું વલણ છે?
GIFT નિફ્ટી 83 પોઈન્ટ વધીને 24,328 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે બુધવારે સ્થાનિક સૂચકાંકો NSE નિફ્ટી 50 અને BSE સેન્સેક્સ માટે હકારાત્મક શરૂઆત સૂચવે છે. યુએસ માર્કેટમાં રાતોરાત રેકોર્ડ ઉછાળો અને ફેડ ચેર જેરોમ પોવેલના નરમ વલણ પછી બુધવારે સવારે એશિયન બજારો મિશ્ર નોંધ પર ખુલ્યા હતા. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર જાપાનનો Nikkei 225 0.68% વધીને 40,346 પર ટ્રેડ કરી રહ્યો હતો. કોરિયન ઇન્ડેક્સ કોસ્પી 0.06% ઘટીને 2,779.32 પર હતો. એશિયા ડાઉ 0.36% વધીને 3,599.34 પર ટ્રેડ કરી રહ્યો હતો. હેંગસેંગ 0.41% વધીને 17,841.77 પર ટ્રેડ કરી રહ્યો હતો. બેન્ચમાર્ક ચાઈનીઝ ઈન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ પણ 2,996.87 પર ફ્લેટ હતો.

રોકાણકારોનું વલણ
નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 2,000.12 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. તેનાથી વિપરીત સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 2 જુલાઈ, 2024 ના રોજ રૂ. 648.25 કરોડના શેર ખરીદ્યા હતા.