January 3, 2025

ભવ્ય લગ્ન બાદ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દીકરી-જમાઈઓને મનાલીની ટ્રીપ

સુરત : સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘માવતર’ નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાં 24 ડિસેમ્બરે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા આયોજિત માવતર લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગ નિમિતે પી.પી. સવાણી ગ્રુપએ ધામધૂમથી વ્હાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્ય પ્રસંગ યોજ્યો હતો. છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 4992 દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે પી.પી. સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે 12મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. 22 દીકરીઓ સિવાયની તમામ દીકરીઓને માતા-પિતા કે ભાઈ પણ નથી. જેથી આ સમારોહને માવતર નામ આપ્યું છે. આ લગ્ન થયા બાદ પણ સવાણી ગ્રૂપ તરફથી પોતાની જવાબદારી પુરી નથી કરતાં કારણે આ લગ્ન સમારોહ થયા બાદ સવાણી ગ્રૂપ દ્વારા તા. ૮-૧-૨૦૨૪ના રોજ દીકરી-જમાઈઓને મનાલી પ્રવાસે મોકલવમાં આવ્યા છે. વરાછાના મિતુલ ફાર્મ ખાતે સવારે ૧૨.30 કલાકે દીકરી-જમાઈઓ એક સાથે ભેગા કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી હતી ત્યાર બાદ તમામ દીકરી-જમાઇઓ હળવો નાસ્તો કરી એક સરખા ટીશર્ટ પહેરી બસ દ્વારા બપોરે ૩.30 કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી આ દીકરી-જમાઇઓને પ્રશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને ખુશ ખુશાલ ૧૨ દિવસ માટે મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા હતા, નવાઇની વાત તો એ છે કે મનાલીમાં રહેવા (હોટલ) જમવા તેમજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા કરી દેવામાં આવી છે.

મનાલી પ્રવાસ અંતર્ગત માહિતી આપતા મહેશભાઈ સવાણી