October 11, 2024

રાજ્યમાં આગામી 2 દિવસ ‘ભારે’, ખેડૂતોની ચિંતા વધી

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી હાલ ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. લોકો ઠંડીને કારણે ઠુઠવાઇ રહ્યાં છે તો બીજી બાજુ હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતીકાલથી જ કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો આવી શકે તેવી સંભાવના છે અને વરસાદી વાતાવરણ શરૂ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.

કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતિત
ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં અંદાજે ચારથી પાંચ દિવસ સુધી વરદા પડે તેવી સંભાવના દેખાઇ રહી છે બીજી બાજુ દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાતા વરસાદ પડવાની શક્યતા છે. નોંધનીય છે કે હાલ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો પારો વધતો જાય છે પરંતુ કમોસમી વરસાદની આગાહીએ કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાઇ રહ્યો છે. નોંધનીય છે કે ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને કેટલાંક વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી પરિસ્થિતિ છે. ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો પંજાબથી લઈને રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાં ભારે ઠંડી અનુભવાઈ રહી છે. બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું કે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ-ઉત્તર ભારત પર આવશે અને 8 જાન્યુઆરીના રોજ આ સિસ્ટમ ભારત પર પહોંચી જશે અને તેની અસર અનેક વિસ્તારોમાં જોવા મળશે. આ સિસ્ટમને કારણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડવાની સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?
પાડોશી રાજ્યોની સાથેસાથે ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાઇ રહી છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા ઉત્તર ભારતનાં બીજાં રાજ્યોમાં થશે જ્યારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ પડશે.

આ પણ વાંચો : કોરોનાએ ફરી વધારી અમદાવાદની ચિંતા

સૌરાષ્ટ્રના છુટાછવાયા વરસાદની આગાહી  
ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં બે દિવસ વરસાદની શક્યતા છે, કચ્છ માટે હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ હવામાન પલટાઈ તેવી સંભાવના છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત તથા દાદરાનગરહવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ હળવા અને છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી તથા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.