BJPના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના સમર્થનમાં આહીર સમાજનું સંમેલન
ભૌમિક સિધ્ધપુરા, ભાવનગર: ભાવનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના સમર્થનમાં આજે કરદેજ ખાતે ભાવનગર જિલ્લા આહીર સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગર જિલ્લા આહીર સમાજ બીજેપી સાથે સંકળાયેલો હોય ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં સમાજનું ભવ્ય સમર્થનના વિશ્વાસ આપતા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોના પ્રચારમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભાવનગરના કરદેજ ખાતે જિલ્લાભરના આહીર સમાજનું બીજેપીના ઉમેદવારને સમર્થન આપતું ભવ્ય સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, શંભુનાથ ટૂંડિયા, ભાજપ પ્રદેશ મંત્રી રઘુ હૂંબલ, સાહિત્યકાર માયા આહીર સહિતના મહાનુભવો, તેમજ મોટી સંખ્યામાં જિલ્લાભરના 52 ગામોના આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતીમાં કહેવત છે કે ‘આશરો તો આહીર નો’ ત્યારે આજે નિમુબેન આજે આહીર સમાજના આંગણે આવ્યા હતા. આહીર સમાજ નિમુબેનના સમર્થનમાં આગામી 7 તારીખે મતદાન કરશે તેવું વચન આપ્યું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત સી.આર.પાટીલે કહ્યું કે આહીર સમાજ અન્યાય કરે નહીં અને અન્યાય સહન પણ કરે નહીં, વચનના પાક્કા એવા આ સમાજના ગુજરાતભરમાં વસતા તમામ આહીર સમાજના લોકોને બીજેપીના ઉમેદવારને મત આપવા અપીલ કરી હતી. વધુમાં કહ્યું કે રાજ્યની 26 બેઠકો નહીં પરંતુ તમામ બુથ જીતવા આશા છે જે સાકાર કરવા હું અપીલ કરું છું.
વધુમાં પાટીલે આહીર સમાજ પોતાના સમાજ પૂરતો સીમિત ન રહેતા અન્ય સમાજનું પણ બીજેપી તરફી મતદાન કરાવે તેવી અપીલ કરી હતી. જો વિવિધ સમાજ સંગઠિત થઈ ને મતદાન કરશે તો જ તમામ બેઠકો 5 લાખ કરતા વધુ મતથી જીતનું સ્વપ્ન સાકાર થશે. મોદીની ગેરેન્ટી અને 400 પારનું લક્ષ્ય પણ સાકાર થશે. આ ઉપરાંત આહીર સમાજના લોકોને વિધાનસભા પણ પૂરતી ટિકિટો બીજેપી દ્વારા આપવામાં આવી હતી અને ઉમેદવારો વિજેતા પણ બન્યા છે.