કપડવંજમાં પાટીદાર સંમેલન યોજાયું, રાજેશ ઝાલા-દેવુસિંહ ચૌહાણ હાજર રહ્યા
નડિયાદઃ લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ બની ગયો છે. મુખ્ય પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે આ ચૂંટણીના માહોલ વચ્ચે ખેડાના કપડવંજમાં પાટીદાર સંમેલન યોજવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કામગીરી કરનારા ખેડા જિલ્લાના પાટીદારોને પદભાર સમર્પણના નેજા હેઠળ આ પાટીદાર સંમેલનનું આયોજન કપડવંજમાં યોજાયું હતું.
પટેલ સમાજના આ કાર્યક્રમમાં ક્ષત્રિય નેતાઓ સ્ટેજ પર શોભા વધારતા જોવા મળ્યા હતા. ચૂંટણીનો માહોલ હોવાથી ભાજપના આ નેતાઓએ આડકતરી રીતે પક્ષનો પ્રચાર પણ કરી દીધો હતો. સૌપ્રથમ સભાને સંબોધતા સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે, કપડવંજ પંથકમાં પાટીદાર સમાજના આશીર્વાદ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે. આ વખતની લોકસભાના ચૂંટણીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજર હોવાથી આગામી દિવસોમાં પાટીદાર સમાજ તેમને આશીર્વાદ આપશે જ તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
તેમણે સંબોધનમાં ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ક્યારેક સમાજના નેતાઓની સંકુચિત માનસિકતાને કારણે રાષ્ટ્રનિર્માણમાં સમાજની શક્તિ ઘટતી હોય છે. પરંતુ પાટીદાર સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર લોકોને જોઈ સમાજની શક્તિ રાષ્ટ્ર નિર્માણના કામમાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાન નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરતા તેમને જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણનું કામ થતું હોય ત્યારે મા ઉમિયાના આશીર્વાદ મળશે જ તે ચોક્કસ છે અને જ્યારે મા ઉમિયાના આશીર્વાદ હોય ત્યારે તેઓ કશું માગ્યા વગર તેમને પટેલ સમાજ તરફથી ઘણું મળવાનું છે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.