January 15, 2025

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સુરક્ષા હટાવાઈ

Godhra

ગુજરાત સરકારે 2002ના ગોધરાકાંડ સાથે જોડાયેલા સાક્ષી, જજ, વકીલ અને ફરિયાદ કરનારાઓને આપવામાં આવતી સુરક્ષાને પરત ખેસી લીધી છે. 15 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. SITએ સાક્ષી સંરક્ષણ સેલની ભલામણ પર જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ 95 લોકોને સુરક્ષા આપવાના આદેશ આપ્યા હતા.

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (હેડ ક્વાર્ટર) એફએ શેખે જણાવ્યું કે, “સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ SITના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણના આધારે, અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલબર્ગ જેવા અનેક રમખાણોના કેસોમાં 95 સાક્ષીઓને આપવામાં આવેલી સુરક્ષા પરત લેવામાં આવી છે.”

નરોડા પાટિયા રમખાણ કેસમાં કોર્ટમાં જુબાની આપનાર 54 વર્ષીય ફરીદા શેખનું સુરક્ષા કવચ પણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. ગુલબર્ગ સોસાયટી પીડિતો વતી કોર્ટમાં હાજર થયેલા વકીલ એસએમ વોરાનું સુરક્ષા કવચ પણ તાજેતરમાં પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત નરોડા પાટિયા રમખાણ કેસમાં 32 લોકોને દોષી ઠેરવનાર શહેરના પૂર્વ પ્રિન્સિપાલ સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકની સુરક્ષા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. તેમણે સેવા દરમિયાન 15 વખત ધમકીઓ પણ મળી હતી. જે બાદ CISFની સુરક્ષા આપવામાં આવી હતી.

મહત્વનું છેકે, 13 ડિસેમ્બરના રોજ  SITના સાક્ષી સુરક્ષા સેલના વડા પોલીસ અધિકારી બી.સી. સોલંકીએ અમદાવાદ પોલીસને પત્ર લખીને SITના મૂલ્યાંકન પછી કેટલાક સાક્ષીઓને આપવામાં આવેલ સંરક્ષણ પાછી ખેંચવાના નિર્ણય વિશે જાણ કરી હતી.