January 2, 2025

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુને આવી અક્કલ, પૈસા માટે ભારત સામે રગડ્યું નાક!

માલદીવ: ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદને કોણ ભૂલી શકે છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન શરૂ કરીને ભારતીય સૈનિકોને દેશમાંથી બહાર કાઢવાનો રસ્તો કાઢ્યો. આના કારણે બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો અને સંબંધોમાં પણ તિરાડ પડી. 10 મેં 2024 સુધીમાં તમામ ભારતીય સૈનિકો માલદીવ છોડી દેશે. તેમની જગ્યાએ ભારતમાંથી લાયકાત ધરાવતા ટેકનિકલ સ્ટાફને તૈનાત કરવામાં આવશે જે સેનાના મહત્વપૂર્ણ કામને આગળ ધપાવશે. એટલું જ નહીં, ભારતીય પીએમ નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને લક્ષદ્વીપના પ્રમોશન દરમિયાન માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી અને ભારતીયો વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. તેમ છતાં મુઇઝુએ વિવાદાસ્પદ ટિપ્પણીનો વિરોધ કર્યો ન હતો. પણ હવે એવું લાગે છે કે મુઈઝુએ પોતાનો ઘમંડ ઓછો થઇ ગયો છે. તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિએ ભારત પાસેથી લીધેલી લોનની ચુકવણીમાં રાહતની માંગ કરી છે.

3300 કરોડની લોનની ચુકવણીમાં રાહતની માંગ
ભારત લાંબા સમયથી માલદીવનો સૌથી મોટો સમર્થક રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતે માલદીવને આર્થિક રીતે પણ મદદ કરી છે. હાલમાં, માલદીવ પાસે ભારત પાસેથી 400.9 મિલિયન ડોલર જેટલી મોટી લોન બાકી છે, જેનું ભારતીય ચલણમાં મૂલ્ય લગભગ 3300 કરોડ રૂપિયા છે. માલદીવે આ વર્ષના અંત સુધીમાં આ લોન ચૂકવવાની છે. આવી સ્થિતિમાં મુઈઝુએ આ લોન ચૂકવવામાં રાહતની માંગ કરી છે.

ભારતને અમારો સૌથી નજીકનો સાથી હોવાનું જણાવ્યું હતું
મુઈઝુ જે થોડા સમય પહેલા સુધી ભારતનો સખત વિરોધ કરવાની કોઈ તક છોડતો ન હતો. તે હવે ભારતને માલદીવનો સૌથી નજીકનો સાથી ગણાવી રહ્યો છે.

મુઈઝુએ ભારતના વખાણ કર્યા
‘ઈન્ડિયા આઉટ’ કેમ્પેઈન ચલાવીને માલદીવમાંથી ભારતીય સેનાની હટાવવા માટે અવાજ ઉઠાવનાર મુઈઝુ હવે ભારતના વખાણ કરી રહ્યો છે. મુઈઝુએ કહ્યું કે ભારતે માલદીવને સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ભારતે માલદીવમાં સૌથી વધુ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે.