બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં 300થી વધુ શિક્ષકો ગેરહાજર, DEOએ નોટિસ ફટકારી

મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન રહેનારા શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે.
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાયેલી બોર્ડની પરિક્ષાની મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાજર ન થનારા શિક્ષકોને હાજર રહેવા માટે ડીઇઓએ નોટિસ પાઠવી છે. અમદાવાદમાં અંદાજિત 300થી વધુ શિક્ષકો મધ્યસ્થ મૂલ્યાકનમાં ઉપસ્થિત ન થતા ડીઇઓ દ્વારા શિક્ષકોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ધોરણ 10 અને ધોરણ 12મા ચાલુ વર્ષે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. ત્યારે વિદ્યાર્થીઓેને સમયસર પરિણામ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ કામગીરી કરી રહી છે. આગામી મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે રાજ્યના હજારો શિક્ષકોને ચૂંટણીની કામગીરી પણ સોંપવામાં આવી છે. શિક્ષકો ચૂંટણીની કામગીરીમાં જોતરાય તે પહેલાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને તેને કારણે જ રાજ્યભરના 75 હજારથી વધુ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર
આગામી 31મી માર્ચ સુધીમા તમામ ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ કરવાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે અનેક શિક્ષકો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં હાજર ન થયા હોવાનું પણ સામે આવ્યું છે અને આ મામલે ડીઇઓ દ્વારા શાળાઓને નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. અનેક શિક્ષકો ઉત્તરવહી ચકાસણીની કામગીરીથી દૂર ભાગતા હોય છે અને તેની સીધી અસર મૂલ્યાંકન પર જોવા મળતી હોય છે.
આ પણ વાંચોઃ ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની જાહેરાત, 15 મિનિટમાં જ FB પોસ્ટ ડિલીટ
અનેક શાળાઓ શિક્ષકોને મૂલ્યાંકન કેન્દ્રમાં મોકલવા માટે છોડતી પણ નથી. જેને કારણે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને પણ નોટિસ પાઠવી છે. અમદાવાદમાં 300થી વધુ શિક્ષકો કામગીરીમાં જોડાયા ન હોવાનું સામે આવ્યું છે. જેને લઇને નોટિસ પાઠવવામાં આવી છે. જો હજુ પણ શિક્ષકો હાજર નહીં રહે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાની પણ બોર્ડે તૈયારી દર્શાવી છે.