માર્કેટ પાછલા સપ્તાહે રહ્યું વોલેટાઈલ, સ્મોલકેપ શેર્સમાં બખ્ખા
યશ ભટ્ટ, અમદાવાદ: આ અઠવાડિયે બજારમાં ઉથલપાથલ ઘણી રહી છે. નિફ્ટી 50ને 20DMAથી સપોર્ટ મળવાને કારણે તેજી તરફના સંકેતો જરૂર રહ્યા છે. 9 ફેબ્રુઆરીએ પૂર્ણ થયેલા અઠવાડિયામાં હજુ પણ વ્યાજદરોના વલણને લઈને માર્કેટને ચિંતા જણાઈ રહી છે. RBIની વ્યાજદરોની જાહેરાતમાં સતત છઠ્ઠી વખત વ્યાજદરોમાં કોઈ પરિવર્તન લાવવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં મહત્વના ઈન્ડેક્સમાં મિશ્ર કારોબાર બનતો જોવા મળ્યો. BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં ફરી નવાં રેકોર્ડ ઉચ્ચતમ સ્તર બનતા જોવા મળ્યા. આ સપ્તાહે સતત તેજી છતાં શુક્રવારે 0.4 ટકાનો ઘટાડો પણ આ ઈન્ડેક્સમાં જરૂર જોવા મળેલો. આ તરફ BSE મીડકેપ ઈન્ડેક્સમાં 1.6 ટકાનો ઉછાળો પણ છે.
સેક્ટરના હિસાબે સમજીએ તો આ સપ્તાહે નિફ્ટી PSU બેન્ક ઈન્ડેક્સ 5 ટકા વધી ચૂક્યો છે. નિફ્ટીના હેલ્થકેર ઈન્ડેક્સમાં પણ 4.4નો ઉછાળો જોવા મળેલ છે. સામે નિફ્ટી ઓઈલ અને ગેસ સેક્ટરમાં 4 ટકાની તેજી જોવા મળી છે. નિફ્ટી ફાર્મા પણ 3.6 ટકા વધ્યો, જ્યારે નિફ્ટી મીડિયા ઈન્ડેક્સમાં 3 ટકાની અપમૂવ આ સપ્તાહે જોવા મળી.
આ સપ્તાહે FIIs દ્વારા 5871.45 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી હતી, જ્યારે DIIs દ્વારા 5325.76 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળી છે. નેટ સેલીંગ આ સપ્તાહે જોવા મળેલું છે, પરંતુ જો તમે આ સમગ્ર ફેબ્રુઆરી મહિનાની વાત કરો તો FIIs દ્વારા 7680.34 કરોડ રૂપિયાની વેચવાલી જોવા મળી હતી. તેની સામે DIIs દ્વારા 8661.41 કરોડ રૂપિયાની ખરીદદારી જોવા મળી છે. એટલે કે ફેબ્રુઆરી મહિનો હજુ પણ નેટ પોઝિટીવ છે.
મુદ્દાની મુખ્ય વાત અહીં એ છે કે BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 7 ફેબ્રુઆરીએ નવો ઉચ્ચતમ રેકોર્ડ બનતો જોવા મળ્યો. નેટ આ સપ્તાહે 0.4 ટકાનો ઘટાડો જરૂર છે, પરંતુ શેર સ્પેસિફીક ખુબ સારી મૂવમેન્ટ જોવા મળી. 50થી પણ વધુ સ્મોલકેપ શેર્સમાં 44 ટકાથી પણ વધુની તેજી જોવા મળી. શેર સ્પેસિફીક અહીં વાત કરવી જરૂરી છે. જેમાં ઓટોમેટિવ સ્ટેમ્પિંગ એન્ડ એસેમ્બલીઝ, વિસાકા ઈન્ડસ્ટ્રીઝ, જયસ્વાલ નેકો ઈન્ડસ્ટ્રીઝ, શ્નાઈડર ઈલેક્ટ્રિક ઈન્ફ્રા, ત્રિવેણી ટર્બાઈન, સંઘવી મૂવર્સ, ઈન્ડિયાબૂલ્સ રિયલ એસ્ટેટ, પરાગ મિલ્ક ફૂડ્સ, એવરેસ્ટ કેન્ટો સિલીન્ડર, S H કેલકર એન્ડ કંપની, ગરવારે હાઈટેક ફિલ્મસ, SMC ગ્લોબલ સિક્યોરિટીઝ, જયપ્રકાશ પાવર વેન્ચર, બજાજ હિન્દુસ્તાન શુગર, જયપ્રકાશ એસોસિએટ તથા EIH 20-44 ટકાની રેન્જમાં વધતા જોવા મળ્યા.
જ્યાં સુધી નિફ્ટીનો સવાલ છે, અહીં સાઈડવેઝ કારોબાર હજુ પણ યથાવત રહી શકે. જેમાં રેન્જ 21600-22050 વચ્ચે રહી શકે તેવા સંકેતો નિષ્ણાંતો આપી રહ્યા છે. 20 દિવસની મુવિંગ એવરેજ (DMA) જે 21699 છે તે જળવાઈ રહે તો વધુ તેજી જોવા મળી શકે. જો આ એવરેજ તૂટે છે તો નવી વેચવાલીની પણ સલાહ નિષ્ણાંતો આપશે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી રોકાણની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે ન કે ન્યૂઝ કેપિટલ વેબસાઈટ કે તેના મેનેજમેન્ટ દ્વારા. ન્યૂઝ કેપિટલ આપને રોકાણ કરતા પહેલા પોતાના નાણાંકિય સલાહકારની સલાહ લેવા આગ્રહ કરે છે.