January 20, 2025

ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ કર્યા લગ્ન, પત્ની સાથેના ફોટા કર્યા શેર

Neeraj Chopra Marriage: ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ભારત માટે જેવલિન થ્રોમાં બે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે. તેમણે ટોક્યો ઓલિમ્પિક 2021માં ગોલ્ડ અને 2024માં પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. હવે ભારતના સુપર સ્ટાર એથ્લીટ નીરજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને તેમણે સાત ફેરા પણ ફરી લીધા છે. તેના લગ્ન હિમાની નામની છોકરી સાથે થયા છે. તેણે પોતાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા
નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે તેણે પોતાના પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. આ પછી તેમણે લખ્યું કે હું દરેક આશીર્વાદ માટે આભારી છું જેણે આ ક્ષણે અમને એકસાથે લાવ્યા. આ પછી, નીરજ અને હિમાની લખી અને હાર્ટનું ઇમોજી બનાવ્યું. તેમણે નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા.

આઝાદી પછી ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર તે ચોથો ભારતીય ખેલાડી છે. આ સિવાય પીવી સિંધુ, સુશીલ કુમાર અને મનુ ભાકરે પણ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે દુનિયાભરમાં જ્યાં પણ રમ્યા છે ત્યાં ત્રિરંગો લહેરાવ્યો છે.

હિમાની કોણ છે?
ચોપરાના કાકા ભીમે પીટીઆઈને જણાવ્યું હતું કે લગ્ન દેશમાં થયા હતા અને આ દંપતી તેમના હનીમૂન માટે રવાના થઈ ગયું છે. હિમાની હાલમાં અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. તે ન્યૂ હેમ્પશાયરની ફ્રેન્કલિન પિયર્સ યુનિવર્સિટીમાં ‘સ્પોર્ટ્સ મેનેજમેન્ટ’નો અભ્યાસ કરી રહી છે. તેણી દિલ્હીના મિરાન્ડા હાઉસની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જ્યાં તેણીએ રાજકીય વિજ્ઞાન અને શારીરિક શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ની વેબસાઇટ અનુસાર, 2018માં હિમાનીનું શ્રેષ્ઠ રાષ્ટ્રીય રેન્કિંગ સિંગલ્સમાં 42 અને ડબલ્સમાં 27 હતું. તેણીએ 2018 માં જ AITA ઇવેન્ટ્સમાં રમવાનું શરૂ કર્યું.