Mahakumbh 2025: ઋષિ-મુનિઓ માટે અમૃત સ્નાનનું ધાર્મિક મહત્વ શું છે?
Mahakumbh 2025: મહાકુંભ એક વિશિષ્ટ ધાર્મિક ઉત્સવ છે, જે ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક પરંપરાઓનું પ્રતીક છે. 12 વર્ષ પછી મહાકુંભ 2025નું આયોજન પ્રયાગરાજમાં થઈ રહ્યું છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં સ્નાન કરવા માટે ઉમટી રહ્યા છે. કુંભ મેળામાં નાગા સાધુઓ અને ઋષિ-મુનિઓ દ્વારા અમૃત સ્નાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે, ઋષિ-મુનિઓ માટે અમૃત સ્નાન શા માટે આટલું મહત્વપૂર્ણ છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે.
અમૃત સ્નાનનું ધાર્મિક મહત્વ
પ્રાચીન ગ્રંથો અનુસાર, અમૃત સ્નાન કરવાથી મનની અશુદ્ધિઓ દૂર થાય છે અને આત્માની શાંતિ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે, અમૃત સ્નાન કરવાથી મનુષ્યને આજીવન પુણ્ય મળે છે, જે હજારો યજ્ઞો કે તપસ્યાઓ જેટલું ફળપ્રદ છે. અમૃત સ્નાનના દિવસો શુભ ગ્રહો અને તારાઓની અવસ્થાઓ પ્રમાણે નક્કી કરવામાં આવે છે, જે આ ધાર્મિક પ્રક્રિયાને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
નાગા સાધુઓ માટેનો વિશેષ અધિકાર
મહાકુંભ દરમિયાન નાગા સાધુઓને પ્રથમ સ્નાન કરવાનો અધિકાર આપવામાં આવે છે. આ નાગા સાધુઓને ‘મહાયોદ્ધા સાધુ’ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ઐતિહાસિક દ્રષ્ટિએ તેઓ સનાતન ધર્મ અને સમાજની રક્ષા માટે સશસ્ત્ર યોદ્ધા તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની શોભાયાત્રા કુંભ મેળાનું મુખ્ય આકર્ષણ છે, જ્યાં સાધુ-સંતો ભવ્ય રીતે ગંગાસ્નાન માટે સંગમ તરફ પસાર થાય છે.
મહાકુંભ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી પરંતુ સમાજની શ્રદ્ધા, સમાનતા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતીક છે. ઋષિ-મુનિઓ માટે અમૃત સ્નાન આત્યંતિક મહત્ત્વ ધરાવે છે. કારણ કે તે શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને જીવનશુદ્ધિનો પવિત્ર માર્ગ દર્શાવે છે.