January 7, 2025

સાઉથ સુપરસ્ટાર વિજયની રાજકારણમાં એન્ટ્રી, પાર્ટીની કરી જાહેરાત

તમિલનાડું: લોકસભા ચૂંટણી 2024 પહેલા સાઉથના સુપરસ્ટાર વિજયે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. થાલાપતિ વિજયે તેમની પાર્ટીની જાહેરાત કરી. જેનું નામ ‘તમિઝગા વેત્રી કઝગમ’ છે. તમિલ ફિલ્મના સુપરસ્ટાર થાલાપતિ વિજયે કહ્યું કે, તેમની પાર્ટી ચૂંટણી પંચમાં નોંધાયેલી છે. આ પાર્ટી 2026માં તમિલનાડુની વિધાનસભાની ચૂંટણી લડશે. મહત્વનું છેકે, આ પહેલા પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 3 મોટા અભિનેતાઓએ ફિલ્મને છોડીને રાજકારણમાં જંપલાવ્યું હતું.

લોકસભા ચૂંટણીને લઈ સ્પષ્ટતા
એક સત્તાવાર નિવેદનમાં અભિનેતા વિજયે કહ્યું કે,પાર્ટી ECI સાથે નોંધાયેલ છે. હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે પાર્ટીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કમિટીએ 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે. આ ઉપરાંત કોઈ પણ પાર્ટીને ટેકો પણ નહીં આપે. રાજનીતિ કોઈ વ્યવસાય નથી પરંતુ ‘પવિત્ર જનસેવા’ છે.

વિજય થાલાપતિનો ક્રેઝ
‘તમિઝાગા વેત્રી કઝગમ’નો શાબ્દિક અર્થ ‘તમિલનાડુ વિજય પક્ષ’ છે. તેની જાહેરાત બાદ વિજયના ચાહકોએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે અભિનેતા રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. તમિલનાડુમાં ભૂતકાળમાં અભિનયની દુનિયામાંથી ઘણા લોકોએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમાંથી સૌથી અગ્રણી એમ.જી. રામચંદ્રન અને જે. જયલલિતા છે.

વિજય હજુ ફિલ્મોમાં દેખાશે.
વિજયે કહ્યું કે મેં પાર્ટીના કામને અસર કર્યા વિના ફિલ્મ પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. જેના માટે હું પહેલેથી જ પ્રતિબદ્ધ છું. એ બાદ હું જનસેવાના રાજકારણમાં પોતાને સમર્પિત કરીશ. હું તમિલનાડુના લોકોનો આભાર વ્યક્ત કરું છું. મહત્વનું છેકે, વિજય થાલાપતિ તેની પહેલા નક્કી કરેલી ફિલ્મો સિવાય હવે કોઈ નવી ફિલ્મોને સાઈન નહી કરે તે અંગે સ્પષ્ટતા કરી છે.