January 3, 2025

ST બસમાં પર્સ શું ભૂલી ગયા આવવા લાગી GSTની નોટિસ બાદ નોટિસ

દશરથસિંહ પરમાર, પંચમહાલ: ગોધરા શહેરમા એક શિક્ષિકાનું પર્સ એસટી બસમાં ગૂમ થયા બાદ પરત તો મળી ગયું પરંતુ તેણીના પાન કાર્ડનો થયો એવો દુરુપયોગ કે શિક્ષિકા અને તેના પરિવારની ઇન્કમટેક્સ વિભાગે ઊંઘ હરામ કરી દીધી. વર્ષ 2014માં ગોધરાના કિન્નરી સોની નામની શિક્ષિકાનું એસટી બસમાં મુસાફરી દરમિયાન પર્સ થયું ગુમ થયું હતું. જે ત્રણ દિવસ બાદ સહીસલામત પરત મળી ગયું હતું. પરંતુ, ચાર વર્ષ બાદ જ્યારે 2018માં શિક્ષિકાને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 6 લાખ કિંમતની મોંઘીદાટ વોચ ખરીદવા અંગે નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવતાં જ પગ નીચે થી જમીન સરકી ગઈ.

શિક્ષિકાએ ત્યારબાદ ઓનલાઈન રિટર્ન ભરવા અંગે તપાસ કરતાં તેણીના પાન કાર્ડના માધ્યમથી મથુરા, સિક્કિમ અને વૃંદાવનથી ઇન્કમટેક્સ રિટર્ન પણ ભર્યુ હોવાનું સામે આવ્યું. એટલું જ નહીં કિન્નરી સોનીના પાન કાર્ડની મદદથી દિલ્હીમાં ત્રણ ખોટા જીએસટી નંબર મેળવી કરોડોનું ટર્ન ઓવર પણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2022માં કિન્નરી સોનીના પાન કાર્ડના માધ્યમથી બેગ્લોરમાં સાડા ચાર કરોડનું સોનુ ખરીદી 32 લાખ રોકડાનું ચુકવણું કર્યા અંગે ફરી એકવાર ઇન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી.

ત્યારબાદ વર્ષ 2023માં ઇન્કમટેક્સ વિભાગે કિન્નરી સોનીને વધુ એક નોટિસ આપી 72 લાખનો ટેક્સ ભરવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ અંગે કિન્નરી સોની અને પરિવારે GST વિભાગને જાણ કરવા ઉપરાંત પંચમહાલ સાયબર ક્રાઈમમાં પણ અરજી આપી તપાસની માંગણી કરી છે. જ્યારે, સમગ્ર મામલે કિન્નરી સોનીએ જણાવતા કહ્યું કે તેઓ પોતે કયારેય બેંગ્લોર જોયું નથી કે ગયા નથી. GST નંબર મેળવ્યા નથી તેમ છતાં કોઈ ભેજાબાજો દ્વારા તેઓના પાન કાર્ડનો દુરુપયોગ કરી કરોડોના ટર્ન ઓવર કરવામાં આવતાં જ તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ત્યારે તેઓ દ્વારા આ મામલે નિષ્પક તપાસ કરી માનસિક તણાવ મુક્ત કરવા માંગ કરી રહ્યા છે.