September 22, 2024

ઓનલાઇન છેતરપિંડીના ભયથી ખેડૂતોએ ગામની બેંકમાંથી ઉપાડ્યા 40 લાખ રૂપિયા!

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં ખેડૂતો સાથે મોબાઇલમાં પીએમ કિસાન યોજનાની લીંક મૂકી ગઠિયાઓ દ્વારા ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી રહી છે. પાલનપુર વડગામ સહિત જિલ્લાની જુદી જુદી દૂધ મંડળીના 1.50 લાખ ઉપરાંત પશુપાલકો સુધી આ લીંક પહોંચી છે. જેમાં વડગામ તાલુકાના સકલાના ત્રણ અને મુમનવાસના બે પશુપાલકના 3.84 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેની ફરિયાદ પણ સાયબર ક્રાઈમમાં કરવામાં આવી છે.

વડગામ તાલુકાના સકલાણા અને મુમનવાસ ગામના પશુપાલકોના ખાતામાંથી પીએમકેવાયની લીંક પર ક્લિક કરતા જ ખાતામાંથી લાખો રૂપિયા ઉપડી ગયા છે. પાલનપુર વડગામ અને જિલ્લાની દૂધ મંડળીઓના 1.50 લાખ પશુપાલકોને ગ્રુપમાં લિંક મળી હતી. આ લિંક પર ક્લિક કરતાંની સાથે જ તેમની સાથે છેતરપિંડી થઈ હતી.

વડગામની જુદી જુદી દુધ મંડળીના ગ્રુપમાં સાયબર ગઠિયાઓ દ્વારા આ લીંક મુકાઈ રહી છે. જેને લીધે અજાણે પશુપાલકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. જો કે, વડગામ તાલુકાના સકલાણા ગામના ખેડૂત નરેન્દ્રસિંહ અને રોહિત દેસાઈ જેવો પશુપાલનનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે ગામની દૂધ મંડળી અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં આ લિંક આવી હતી.

ત્યારબાદ નરેન્દ્રસિંહએ પીએમ કિસાન યોજનાની લિંક હોવાથી કંઈક ખેડૂતો માટે સારી સ્કીમ હશે એમ માની અને લિંક પર ક્લિક કર્યું હતું જેથી તેમના ખાતામાંથી 98,300 ઉપડી ગયા હતા અને બેલેન્સ ઝીરો થઈ ગયું હતું. જો કે, આવી જ છેતરપિંડી અન્ય સાત ખેડૂતો સાથે પણ થઈ છે અને જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હેકરો જે ગ્રુપ હોય તે એડમીનના એકાઉન્ટ સ્કેન કરે છે અને ત્યારબાદ મોબાઈલ નેટવર્ક ધારા રૂટ કીટ નામનો વાઇરસ એના મોબાઈલમાં એન્ટર કરે છે. ત્યારબાદ હેકર દ્વારા યુઝર અને સર્વર વચ્ચેની લાઈનમાં વાયરસ એટેક કરે છે. જેની બે કોપી પૈકી એક યુઝર અને એક સર્વર પર જાય છે. ત્યારબાદ યુઝરને સર્વર ઉપરથી આ વાયરસ કનેક્ટ કરવા લિંક મોકલાય છે. જેની ઉપર ક્લિક કરતા યુઝરનો તમામ કંટ્રોલ હેકર પાસે આવી જાય છે. જેની મદદથી હેકર એડમીનનું એકાઉન્ટ ઓપરેટ કરે છે અને એની જાણ એડમીનને પણ થતી નથી.

સકલાણા ગામમાં ખેડૂતો સાથે સાઇબર ફ્રોડ થયું એટલે અન્ય પશુપાલકો અને ખેડૂતોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. બેંકમાં ખાતા હતા તે બેંકમાં ગ્રાહકો પણ ભયના વધારે હેઠળ આવી ગયા. જેની સાથે છેતરપિંડી નથી થઈ તેવા ગ્રાહકોએ પણ બેંકમાંથી પૈસા ઉપાડી લીધા. બેંકમાંથી એક જ દિવસમાં 40થી 50 લાખ રૂપિયા ગ્રાહકો ઉપાડી ગયા અને આનું કારણ હતું કે એ છેતરપિંડીનો ભય હતો.