September 14, 2024

વડોદરા શહેરમાં ધોધમાર વરસાદમાં પણ અટકી નહીં 108 એમ્બ્યુલન્સ સેવા

વડોદરા: રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાજ્ય સરકાર રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત કરી દીધી છે. આ દરમિયાન વડોદરા શહેરમાં એક જ દિવસમાં 108 એમ્બ્યુલન્સને 285 કોલ મળ્યા હોવા છતાં એમ્બ્યુલન્સ સેવા અટકી નહોતી. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી 49 દર્દીઓને એમ્બ્યુલન્સના માધ્યમથી સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંજુસર રોડ પર એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લામાં નીચાણવાળા અને નદીની આસપાસ વસતા કુલ 8361 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ નાગરીકો માટે ભોજન, નાસ્તો સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વડોદરામાં અનરાધાર વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા 45 સગર્ભા મહિલાઓનું રેક્સ્યૂ

વડોદરા આરોગ્ય તંત્રનો માનવીય અભિગમ
વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.