July 4, 2024

પુણેમાં ફેલાઈ રહેલા ઝિકા વાયરસથી હાહાકાર, 6 કેસ આવતા તંત્ર થયું દોડતું

Zika virus in Pune: મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસના છ કેસ નોંધાયા છે. તેમની વચ્ચે બે ગર્ભવતી મહિલાઓ પણ છે. આ માહિતી મળતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે પુણેના એરાંડવાને અને મુંધવામાં તપાસ દરમિયાન 6 દર્દીઓમાં ઝિકા વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે.

આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝિકા વાયરસના ચેપનો પહેલો કેસ એરંડવેનમાં સામે આવ્યો છે. અહીંના 46 વર્ષના ડોક્ટરનો રિપોર્ટ ઝીકા પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરની 15 વર્ષની પુત્રીને પણ ચેપ લાગ્યો છે. તે ઉપરાંત, મુંધવામાંથી બે કેસ નોંધાયા છે, જેમાં 47 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

ઝિકા વાયરસનો કેસ મળતા આરોગ્ય વિભાગ એલર્ટ
ડોકટરો ઝિકા વાયરસથી સંક્રમિત તમામ 6 દર્દીઓના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. આ દર્દીઓમાં શરીર પર લાલ ફોલ્લીઓ, તાવ અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. તબીબોના મતે ઝિકા વાયરસનો ચેપ એડીસ મચ્છરના કરડવાથી વ્યક્તિમાં ફેલાય છે. આ વાયરસ વધુ ખતરનાક છે કારણ કે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાતો રહે છે. જોકે, આ વાયરસથી સંક્રમિત દર્દીમાં શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી.

આ પણ વાંચો: 25 લાખની સોપારી…લોરેન્સ ગેંગે કેવી રીતે સલમાનને મારવાનો કર્યો પ્લાન, ગુજરાતમાં છુપાયેલા છે આરોપી!

ઝિકા વાયરસ ક્યારે આવ્યો?
આ વાયરસનો પ્રથમ કેસ 1947માં દેખાયો હતો. યુગાન્ડામાં વાંદરાઓમાં આ વાયરસનો ચેપ જોવા મળ્યો હતો. જો કે, માનવોમાં ઝિકાનો પ્રથમ કેસ 1952 માં નોંધાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં જુદા જુદા દેશોમાં ઝિકાના કેસ જોવા મળી રહ્યા છે. ઓક્ટોબર 2015 અને જાન્યુઆરી 2016 વચ્ચે બ્રાઝિલમાં ઝિકાના હજારો કેસ નોંધાયા હતા. આ દેશમાં 4000 બાળકોમાં ઝિકા વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી.

લક્ષણો અને નિવારણ શું છે?
ડોકટરોના જણાવ્યા અનુસાર, ઝિકા વાયરસથી સંક્રમિત દર્દીઓને તાવ આવતો રહે છે. દર્દીઓ માથાનો દુખાવો અને સાંધાના દુખાવાની ફરિયાદ કરી શકે છે. આંખો લાલ થઈ જાય છે. શરીર પર લાલ ફોલ્લીઓ પણ દેખાય છે. આ ચેપ મચ્છરના કરડવાથી ફેલાય છે, તેથી ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દો. રક્ષણ માટે સંપૂર્ણ બાંયના કપડાં પહેરો. ચેપગ્રસ્ત દર્દીઓ રહેતા હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો. ખાનપાનનું પણ ખાસ ધ્યાન રાખવું.