ઝેલેન્સકી 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત, હવે રશિયાની સહમતિની રાહ

Russia-Ukraine Ceasefire: રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે આ સમયે સાઉદી અરેબિયાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને સંકેત આપ્યો છે કે તે રશિયા સાથેના યુદ્ધમાં 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર છે. મંગળવારે સાઉદી અરેબિયામાં વાટાઘાટો બાદ યુએસ અને યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ હવે મોસ્કો સમાધાન પર પહોંચે તેની રાહ જોઈ રહ્યા છે. યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા બાદ અમેરિકાએ લશ્કરી સહાય અને ગુપ્ત માહિતીની આપ-લે ફરી શરૂ કરી છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે એક અઠવાડિયા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પર યુદ્ધનો અંત લાવવા માટે રશિયન દળો સાથે વાતચીત કરવા દબાણ કરવા માટે આ પગલાં લીધા હતા. હવે તેને તેમાં સફળતા મળી રહી હોય તેવું લાગે છે. ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે સંમત થવાની વાત કહ્યા પછી, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે યુએસ ક્રેમલિન સમક્ષ યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કરશે.
અમેરિકાએ આ કહ્યું
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે, હવે અમે રશિયાને કહીશું કે યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયું છે. હવે તે તેમના (રશિયા) પર નિર્ભર રહેશે કે તેઓ હા કહે છે કે નહીં. જો તેઓ કમનસીબે ના કહે, તો આપણને ખબર પડશે કે અહીં શાંતિમાં શું અવરોધ છે. યુક્રેન ગોળીબાર બંધ કરવા અને વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં વાટાઘાટો દરમિયાન યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝે કહ્યું- “યુક્રેનિયન પ્રતિનિધિમંડળે આજે એક વાત ખૂબ જ સ્પષ્ટ કરી. તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાંતિ માટેના વિઝનને આગળ વધારવા માગે છે.”
યુદ્ધવિરામના મુસદ્દાની ખાસ શરતો શું છે?
વોલ્ટ્ઝે જણાવ્યું હતું કે, વાટાઘાટકારોને આ યુદ્ધ કાયમી ધોરણે કેવી રીતે સમાપ્ત થશે તેની નક્કર વિગતો મળી છે, જેમાં લાંબા ગાળાની સુરક્ષા ગેરંટીનો સમાવેશ થાય છે. આ જાહેરાતો એવા સમયે આવી જ્યારે યુક્રેનિયન અને યુએસના વરિષ્ઠ અધિકારીઓએ સાઉદી અરેબિયામાં કિવ સામે મોસ્કોના ત્રણ વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા પર કેન્દ્રિત વાટાઘાટો શરૂ કરી. રશિયા દ્વારા 300થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યાના થોડા કલાકો પછી જ ચર્ચાઓ શરૂ થઈ. ક્રેમલિન દ્વારા તેના પાડોશી પર સંપૂર્ણપણે આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારથી આ યુક્રેનનો સૌથી મોટો હુમલો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ માટેના ખાસ દૂત સ્ટીવ વિટકોફ આ સપ્તાહના અંતે મોસ્કોની મુલાકાત લે તેવી અપેક્ષા છે, જ્યાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી શકે છે.
યુક્રેનની માંગ શું છે?
યુક્રેનિયન રાષ્ટ્રપતિના સહાયક એન્ડ્રી યર્માકે પત્રકારોને જણાવ્યું હતું કે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે યુક્રેનમાં ન્યાયી અને કાયમી શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી. ભવિષ્યમાં રશિયાને ફરીથી આક્રમણ કરતા અટકાવવા માટે સુરક્ષા ગેરંટી મહત્વપૂર્ણ છે. ગયા મહિને ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઓવલ ઓફિસમાં થયેલા ધડાકા પછી બંને પક્ષો વચ્ચે આ પહેલી મુલાકાત હતી. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પણ હાજર હતા.