ઝાકિર હુસૈને કેમ કહ્યુ ‘…એ 5 રૂપિયા મારા માટે સૌથી કિંમતી હતા’?; વાંચો સમગ્ર કિસ્સો
અમદાવાદઃ ઝાકિર હુસૈન આંગળીઓ તબલા પર મૂકે છે ત્યારે આંગળીઓ-તબલા વચ્ચે એક અદ્ભુત સંવાદિતતા જોવા મળે છે. તેમનું 73 વર્ષની વયે સાન ફ્રાન્સિસ્કોમાં નિધન થયું છે. તેમને હૃદય સંબંધિત બીમારીને કારણે ICUમાં દાખલ કરવા પડ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
…ઝાકિર જ્યારે પહેલીવાર સ્ટેજ પર પહોંચ્યા
ઝાકિર હુસૈનને તબલા વગાડવાનો એટલો શોખ હતો કે જો કોઈ વાસણ પકડે તો પણ તે તેમાંથી ધૂન બનાવવાનું શરૂ કરી દેતા હતા. ઝાકિર જ્યારે 12 વર્ષના હતા, ત્યારે તે તેના પિતા સાથે કોન્સર્ટમાં ગયા હતા. ત્યાં તેઓ પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લા ખાન, પંડિત શાંતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજને મળ્યા હતા. ઝાકિર જ્યારે તેના પિતા સાથે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે તેને જોઈને બધા ચોંકી ગયા હતા. પર્ફોર્મન્સ પૂરું થયા બાદ ઝાકીરને 5 રૂપિયા આપવામાં આવ્યા હતા. ઝાકિરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ‘મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ તે 5 રૂપિયા મારા માટે સૌથી કિંમતી હતા.’
આ પણ વાંચોઃ પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનની કેટલીક અજાણી વાતો…
ઝાકિરને અભિનયમાં પણ રસ હતો
ઝાકિર હુસૈનને તેમના સોલો આલ્બમથી ખ્યાતિ મળી હતી, જેની કદાચ તેમણે પોતે પણ કલ્પના કરી ન હતી. ઝાકિર હુસૈને આ પછી ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દૂર-દૂરથી લોકો તેમને સાંભળવા તેમના કાર્યક્રમોમાં આવતા હતા. ઝાકિર હુસૈનને માત્ર સંગીતમાં જ રસ નહોતો, પરંતુ તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે 1983માં આવેલી ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’ દ્વારા પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં શશિ કપૂર પણ મહત્વના રોલમાં હતા. આ પછી તેણે ‘ધ પરફેક્ટ મર્ડર’ અને ‘મિસ બેટીઝ ચિલ્ડ્રન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું હતું. જો કે, તેમની એક્ટિંગ ત્યારે ખૂબ ચર્ચામાં આવી જ્યારે 1998માં તે શબાના આઝમીની સાથે ફિલ્મ ‘સાઝ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઝાકિર હુસૈને સંગીત પણ આપ્યું હતું. આ એક વિવાદાસ્પદ ફિલ્મ હતી. આ ફિલ્મમાં ઝાકિર હુસૈને શબાના આઝમીના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. તબલાવાદક ઝાકિર હુસૈનને મોટા પડદા પર શબાના આઝમીને પ્રપોઝ કરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મમાં ઝાકિર હુસૈનની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.