GSRTCમાં ભરતી કૌભાંડ? 97 હજારથી વધુ રૂપિયા લઈને નોકરી લગાવવાનું કહી છેતરપિંડી

ગાંધીનગરઃ સરકારી ભરતીમાં નોકરી અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે દાવો કર્યો છે કે, GSRTCમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે. પૈસા લઈને બોગસ એપોઇન્મેન્ટ પણ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નોકરી માટે ઉમેદવારે એક વ્યક્તિને 97,200 રૂપિયા આપ્યા હતા. નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ પૈસા લીધા હોવાના પુરાવા સામે આવ્યા છે. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
GSRTC કૌભાંડ બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે, GSRTCમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે. GSRTCમાં સિનિયર ક્લાર્ક અને કન્ડક્ટરની નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. Email ID ખોટી બનાવી અપોઇમેન્ટ લેટર, જોબ કન્ફર્મેશન લેટર સહિતના ડોક્યુમેન્ટ ખોટા મેઇલ કરી છેતરપિંડી આચરવામાં આવી છે.
આ ઉપરાંત સરકારી દસ્તાવેજ સાથે ચેડાં કરી ખોટા સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગૌરાંગભાઈ પાસેથી પણ 97,200 પડાવી લીધા છે. બરોડા ST ડેપોમાં તમામ કેન્ડિડેટને બોલાવીને છેતરપિંડી કરવામાં આવી છે. ખોટી એપોઈન્મેન્ટ આપી આઈ કાર્ડ પણ આપી દેવાયું હતું. બરોડાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે. આ મામલે સરકાર તપાસ કરાવે.
આ ઉપરાંત યુવરાજસિંહ જાડેજાએ ઠગાઈ કરનારા નિલેશ મકવાણા તાત્કાલિક ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ કરવા રજૂઆત કરી છે. બોરસદનો રહેવાસી નિલેશ મકવાણાએ 45 લોકો સાથે છેતરપિંડી કરી છે. તમામ રકમ ડિજિટલ માધ્યમથી લેવામાં આવી છે. ઉંમર વધી ગઈ હોવા છતાં સરકારી નોકરીની લોભામણી લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. વચેટિયા આશિષ ક્રિશ્ચિયને 45 લોકોને સરકારી નોકરી લગાવી હોવાની પણ વાત કરી હતી. અમદાવાદમાં આશિષ નામના ઠગે 4 લોકોને ST ડેપોમાં નોકરી અપાવી હોવાની વાત કરી હતી.