July 2, 2024

અયોધ્યામાં રામપથ પર ગાબડાં પડવાથી યોગી સરકાર એક્શન મોડમાં, 3 લોકો સસ્પેન્ડ

અયોધ્યા: શુક્રવારે અયોધ્યામાં ચોમાસાનો પહેલો વરસાદ થયો, જેણે વિકાસના તમામ દાવાઓને પોકળ સાબિત કરી દીધા છે. રામ મંદિર સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલ રામપથ ઘણી જગ્યાએ ગાબડા પડી ગયા હતા અને રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા હતા. જે બાદ હવે જવાબદાર અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, AE અને JEને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અયોધ્યાના રામપથમાં થયેલા ભ્રષ્ટાચાર પર કડક કાર્યવાહી કરતા સીએમ યોગી આદિત્યનાથે કાર્યકારી ઈજનેર ધ્રુવ અગ્રવાલ, સહાયક ઈજનેર અનુજ દેશવાલ અને જુનિયર એન્જિનિયર પ્રભાત પાંડેને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સીએમ યોગી આ મામલામાં બેદરકારી અને ભ્રષ્ટાચાર કરનારને બક્ષવાના મૂડમાં નથી.

પહેલા વરસાદમાં રામપથ પડ્યા ગાબડાં
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને માત્ર છ મહિના જ થયા છે, થોડા સમય પહેલા જ રામપથનું પણ નિર્માણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેથી કરીને મોટી સંખ્યામાં અયોધ્યા આવતા રામ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે. પરંતુ શુક્રવારે ચોમાસાના પ્રથમ વરસાદ દરમિયાન બેદરકારી સામે આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ હતી. સાહદતગંજથી નવા ઘાટ સુધીના 13 કિમીના રામપથ રોડ પર ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે.

આ પણ વાંચો: દિલ્હી સહિત 23 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

રામપથમાં ખાડા પડવાના સમાચાર મળતા જ વહીવટીતંત્રએ ઉતાવળમાં ખાડાઓ પૂર્યા પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. જેના કારણે રાજ્ય સરકારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દે સરકારને ઘેરવામાં કોઈ કસર છોડી રહી નથી અને તેના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને પ્રહારો કરી રહ્યા છે.

ભાજપે અયોધ્યાને વિકાસનું મોડેલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને દેશભરમાં તેનો ઉલ્લેખ કરીને પ્રચાર કર્યો હતો. પરંતુ, પહેલા જ વરસાદમાં જે રીતે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને રામપથ ગુફા થઈ ગયા હતા તેનાથી તમામ દાવાઓ ખોરવાઈ ગયા છે. કોંગ્રેસ હવે રામ મંદિર અને અયોધ્યામાં થયેલા વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે.