યમને ઇઝરાયલ પર છોડી મિસાઇલ, કેટલીક ફ્લાઇટ કેન્સલ; તેલ અવીવ જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ

Israel: રવિવારે યમનના હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલ ઇઝરાયલના મુખ્ય એરપોર્ટ, બેન-ગુરિયન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રાટકી હતી. આ હુમલા બાદ થોડા સમય માટે હવાઈ માર્ગ અને રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇઝરાયલના ટોચના મંત્રીઓ ગાઝા યુદ્ધને વધુ તીવ્ર બનાવવાના નિર્ણય પર મતદાન કરવાના છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિસાઇલ પડ્યા પછી એરપોર્ટ નજીક ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા અને મુસાફરો ભયથી અહીં-ત્યાં દોડતા જોવા મળ્યા હતા. આ મિસાઇલ એરપોર્ટ નજીક એક ખાલી ખેતરમાં પડી હતી, જેના કારણે જમીનમાં એક મોટો ખાડો પડી ગયો હતો. જો કે, ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાના લગભગ એક કલાક પછી હવાઈ અને માર્ગમાં અવરજવર ફરી ચાલુ કરવામાં આવી હતી. આ હુમલામાં ચાર લોકોને થોડી ઈજા થઈ હતી.
એર ઇન્ડિયાની ફ્લાઇટ અબુ ધાબી ડાયવર્ટ કરી
આ મિસાઇલ હુમલાને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટને અબુધાબી તરફ વાળવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ફ્લાઇટ નંબર AI 139 દિલ્હીથી ઇઝરાયલની રાજધાની તેલ અવીવ જઈ રહી હતી. આ હુમલો ફ્લાઇટના તેલ અવીવમાં ઉતરાણના એક કલાક કરતાં પણ ઓછા સમય પહેલા થયો હતો. જ્યારે અબુધાબી તરફ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિમાન જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં હતું. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ 6 મે સુધી તેલ અવીવ જતી તેની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
એર ઇન્ડિયા તરફથી સત્તાવાર નિવેદન
આ કિસ્સામાં એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘આજે સવારે બેન ગુરિયન એરપોર્ટ પર બનેલી ઘટના બાદ 4 મે 2025ના રોજ દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI139ને અબુધાબી તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ અબુધાબીમાં સામાન્ય રીતે લેન્ડ થઈ હતી અને ટૂંક સમયમાં દિલ્હી પાછી આવશે. પરિણામે અમારા ગ્રાહકો અને કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેલ અવીવથી અમારી ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી 6 મે, 2025 સુધી સ્થગિત કરવામાં આવશે. ગ્રાઉન્ડ પર અમારો સ્ટાફ ગ્રાહકોને મદદ કરી રહ્યો છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યો છે. 4થી 6 મે 2025ની વચ્ચે માન્ય ટિકિટ સાથે અમારી ફ્લાઇટ્સ પર બુક કરાવનારા ગ્રાહકોને રિશેડ્યુલિંગ પર એક વખતની છૂટ અથવા રદ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અમે ફરી એકવાર કહેવા માંગીએ છીએ કે એર ઇન્ડિયામાં અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.’