September 8, 2024

રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ

Weather Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં સતત અનરાધાર વરસાદથી જનજીવનને અસર પહોંચી છે તો ઘણી નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યાં જ તાપી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે. જ્યાં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ત્યાં જ હવે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના 3 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં જ રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જેમાં સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પૂર્ણા નદીના પુરમાં ઘરવખરી તણાઈ, મહિલાએ આંસુ સારતા જણાવી આપવીતી

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે. આણંદ, ભરુચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે. મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ અપાયું છે.

ગુજરાતમાં 2,700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદી 23 ફૂટના જોખમના નિશાનથી પાંચ ફૂટ ઉપર વહી રહી છે. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા એસ એગ્રેએ જણાવ્યું હતું કે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે 2,200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.