July 7, 2024

પંજાબે ભૂલથી ખરીદેલા ખેલાડીએ ખેલ બદલી નાંખ્યો, ટોપ 5માં પહોંચાડ્યું

નવી દિલ્હીઃ IPL 2024ની 17મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીતમાં શશાંક સિંહ પંજાબ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. શશાંકને પહેલા પંજાબ કિંગ્સની ભૂલ કહેવામાં આવી રહી હતી. કારણ કે, જ્યારે એની ખરીદી ટીમ તરફથી કરવામાં આવી ત્યારે એ ક્યા કામ આવશે એવી ચર્ચા હતી. જોકે, ફિલ્ડિંગ બાદ બેટિંગમાં દમ દેખાડતા ખેલાડીએ મેચનું પાસું પલટી નાંખ્યું હતું. પરંતુ હવે, ફ્રેન્ચાઇઝીની આ જ ભૂલનો તેમને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે. શશાંકને તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

મસ્ત ઈનિંગ્સ રમી પ્લેયર ઓફ ધ મેચ
શશાંકે 29 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની ઈનિંગ રમી હતી. વાસ્તવમાં, IPL 2024 માટે યોજાયેલી મીની હરાજીમાં પંજાબે શશાંક સિંહ પર બોલી લગાવી હતી, જ્યારે તેમને શશાંક નામના અન્ય ખેલાડી પર બોલી લગાવવાની હતી. પંજાબ અંડર-19ના શશાંકને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેઓએ 32 વર્ષીય શશાંક સિંહ પર બોલી લગાવી, જે છત્તીસગઢ માટે રમે છે. પણ જ્યારે આ ખેલાડી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા માટે ઊતર્યો ત્યારે ગુજરાતના ખેલાડીઓને પરસેવો આવી ગયો હતો. ગુજરાતની દેશી ભાષામાં કહીએ તો રીતસરના ગાભા કાઢી નાંખ્યા હતા.

આ પણ વાંચો: જાણો પંજાબ કિંગ્સ સામેની હાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ગિલે શું કહ્યું?

સ્પષ્ટતા કરવી પડી હતી
આ ઘટના બાદ પંજાબે સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે, શશાંક સિંહને તેમની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તે પંજાબના સત્તાવાર હેન્ડલ પરથી લખવામાં આવ્યું હતું. પણ જે રીતે પંજાબને સફળ કરવામાં શશાંક સંકટમોચક બની રહ્યો એના પરથી કહી શકાય કે, પંજાબની પસંદી એ સમયે ભલે ખોટી લાગતી હોય પણ મેચ સાચી રીતે જીતાડી હતી. ગુજરાત ટાઈટન્સ પહેલા, શશાંક અંતમાં આવ્યો અને બેંગલુરુ સામે પણ શાનદાર ઈનિંગ રમી હતી. આરસીબી સામે શશાંકે 8 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 21 રન બનાવ્યા હતા. હવે તેણે ગુજરાત સામે રમાયેલી મેચમાં મેચવિનિંગ ઈનિંગ્સ રમી હતી.

પોઈન્ટ ટેબલની સ્થિતિ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 19.5 ઓવરમાં 7 વિકેટે જીત મેળવી હતી. જેમાં સુપરહિરો સાબિત થયેલા શશાંકે પોતાની શક્તિ બતાવી દીધી હતી. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો પંજાબ ગુજરાત સામેની મેચ જીતીને ટોપ 5માં આવી ગયું છે. પ્રથમ ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ છે. જેણે હજું સુધી એક પણ મેચ હારી નથી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે એક પણ મેચ જીતી નથી. બીજા ક્રમે રાજસ્થાન રોયલ્સ છે. ત્રીજા ક્રમે ધોની ફેઈમ ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ છે. ચોથા ક્રમે રાહુલની ટીમ લખનઉ સુપર જાયન્ટસ છે.જ્યારે પાંચમાં ક્રમે પંજાબ સુપરકિંગ્સ છે.