July 4, 2024

આજે વિશ્વ સિકલ સેલ દિવસ, સૌથી વધુ આદિવાસીઓમાં જોવા મળે છે આ સમસ્યા

અમિત રૂપાપરા, સુરતઃ 19મી જૂન એટલે વિશ્વ સિકલ સેલ દિવસ. આદિવાસી વિસ્તારોમાં લગ્ન કરતી વખતે સિકલ સેલનો ટેસ્ટ કરાવવો જોઈએ, આ વાત નવી સિવિલ હોસ્પિટસલના મેડિસિન વિભાગના વડા ડૉ.કેએન ભટ્ટે કહી છે. સિકલસેલ આનુવાંશિક રોગ છે, જે આદિજાતિ લોકોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2008માં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાય તે માટે 2009માં 19 જૂનના રોજ પહેલીવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિકલ સેલ લોહીની વારસાગત ખામી છે. સિકલ સેલની ખામી જન્મથી જ હોય છે. સિકલ સેલના બે પ્રકાર છે. સિકલ સેલ ટ્રેઈટ(50 ટકા) વાહક અને સિકલ સેલ ડિસીઝ (100 ટકા) ડિસીઝ. સિકલ સેલની ખામી રંગસૂત્રોમાં આવેલી જનીનોની ખામી છે અને તે ગર્ભ રહે તે સમયે નક્કી થઈ ચૂકી હોય છે. જેમાં કોઈ પણ વધારો કે ઘટાડો શક્ય નથી.

આ પણ વાંચોઃ રાજકોટના માલવિયાનગર રેલવે ક્રોસિંગ પાસે મોટી દુર્ઘટના ટળી

સિક્સ સેલની ખામીને જડમૂળથી કાઢી શકાય છે. જીનથેરાપી દ્વારા હાલ પ્રયોગો થઈ રહ્યા છે. સિકલ સેલ ટ્રેઈટ (50%) વાહક છે. આ 50% ખામીને લઈને સામાન્ય રીતે કોઈ તકલીફ થતી નથી, જેમને લગ્ન વિષયક માર્ગદર્શનની જરૂર છે. સિકલ સેલ ટ્રેઈટવાળી (50%) વ્યક્તિ અન્ય સિકલ સેલ ટ્રેઈટવાળી (50%) વ્યક્તિ જોડે લગ્ન કરે તો સિકલ સેલ ડિસીઝની (100%) ખામી સંતાનમાં ઉતરે અથવા સિકલ સેલ ડિસીઝવાળું (100%) સંતાન પ્રાપ્ત ન થાય એ માટે સિકલ સેલ ટ્રેઈટનું નિદાન આવશ્યક છે.

સિકલ સેલ ડીસીઝવાળી (100%) વ્યક્તિને સાંધા કે શરીરનો વારંવાર દુઃખાવો થવો, શરીરની ફિક્કાશ, કમળો થવો, વારંવાર તાવ આવવો, અચાનક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવું જેવા લક્ષણો હોઈ શકે છે. માંગરોળ, બારડોલી, મહુવા, માંડવી, ઉમરપાડા, ચોર્યાસી, પલસાણા, કામરેજ અને ઓલપાડ તાલુકામાં 97.21 ટકા લોકોનું સિકલ સેલનું સ્ક્રિનિંગ થયું છે. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં માંગરોળ, બારડોલી, મહુવા, માંડવી, ઉમરપાડા, ચૌર્યાસી, પલસાણા, કામરેજ અને ઓલપાડ તાલુકામાં મે-2024 સુધી 15,67,860 લોકોનું સિકલ સેલનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 29,027 સિકલસેલ ટ્રેઈટ અને 3,365 સિકલસેલ ડિસિસના દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં સિકલસેલ ડિસિઝના સૌથી વધારે માંડવી તાલુકામાં 1088, ઉમરપાડામાં 605, મહુવામાં 543, માંગરોળમાં 431 અને બારડોલીમાં 339 દર્દીઓ છે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે આ સરકારી યોજના વરદાનરૂપ, ગોડાઉન બનાવવા મળે છે મોટી સબસીડી

નવી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના વડા ડૉ.કે.એન.ભટ્ટે જણાવ્યું હતું કે, સિકલ સેલ વારસાગત રોગ છે કે જે આદિવાસી વિસ્તારોમાં ખાસ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ બહુલ વિસ્તારમાં ચૌધરી, વસાવા, ગામીત અને અન્ય જ્ઞાતિઓ જોવા મળે છે. જેમ કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના ગામોમાં, દાહોદ, ગોધરા જેવા આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ જોવા મળે છે. આદિવાસી વિસ્તારોમાં લગ્ન કરતી વખતે સિકલ સેલનું ટેસ્ટ કરાવવો જોઈએ. સિકલ સેલ ટ્રેઈડ અને સિકલસેલ ડિસિઝ હોય એવા જોડાઓના લગ્ન ન કરાવીએ તો સિકલસેલને રોકી શકાય છે.

સિકલસેલ થયો હોય તો તેનું નિદાન વહેલી તકે કરવું આવશ્યક છે. દવાઓનો સમયસર ઉપયોગ કરવામાં આવે તો સિકલ સેલ ક્રાઈસિસથી દર્દીને બચાવી શકાય છે. અગાઉથી જ દવાઓ અને યોગ્ય સારવાર મેળવી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. સુરત સિવિલમાં સિકલ સેલના દરરોજ એકથી બે સિરિયસ દર્દીઓ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. સુરત નવી સિવિલમાં દર વર્ષે સિકલ સેલના 300થી 400 દર્દીઓ સારવાર મેળવે છે. જેમાં દર્દીઓને નેશનલ સિકલ સેલ ડિસિઝ પ્રોગ્રામ હેઠળ એમઆરઆઈ, સિટી સ્કેન, પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન જેવી સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.