WORLD HERITAGE DAY: જૂનાગઢમાં નવાબી કાળની ઐતિહાસિક ઈમારતો જર્જરિત, સરકાર ધારે તો હેરીટેજમાં સમાવી શકે

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢ ઐતિહાસિક ધરોહરનું શહેર નવાબી કાળની ઈમારતો જર્જરિત અવસ્થામાં ઐતિહાસિક ધરોહરની જાળવણી બની જરૂરી સરકાર ધારે તો જૂનાગઢને હેરીટેજમાં સમાવી શકે છે. જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે, પુરાણોમાં પણ જૂનાગઢનો ઉલ્લેખ જોવા મળે છે અનેક પૌરાણિક અને નવાબી કાળની ઐતિહાસિક ધરોહર અને ઈમારતો અહીં આવેલી છે, પરંતુ તેની જાળવણી થતી નથી, જાળવણીના અભાવે ઐતિહાસિક ઈમારતો જર્જરિત હાલતમાં છે ત્યારે આ ઈમારતોની જાળવણી કરવી જરૂરી બની છે.

ઐતિહાસિક ધરોહરની જાળવણી હેતુ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જૂનાગઢ શહેરમાં નવાબી કાળની ઐતિહાસિક ઈમારતો આજે પણ અડીખમ ઉભી છે, શહેરના સર્કલ ચોક, દિવાન ચોક સહિતના વિસ્તારોમાં નવાબી કાળની સુંદર ઈમારતો આવેલી છે, પરંતુ કમનસીબે આ ઈમારતોની કોઈ જાળવણી થતી નથી, પુરાતત્વ વિભાગ દ્વારા અનદેખી થઈ રહી છે, જવાબદાર તંત્ર અને અધિકારીઓની દુરંદેશીના અભાવે ઐતિહાસિક ઈમારતો જર્જરિત અવસ્થામાં છે, નષ્ટ થવાના આરે છે અને હજુ પણ જો તંત્ર નહીં જાગે તો બેનમુન કલાકૃતિ ધરાવતી ઐતિહાસિક ઈમારતો નામશેષ થઈ જશે.

એવું નથી કે શહેરમાં ઐતિહાસિક ઈમારતોની જાળવણી નથી થતી, ઉપરકોટ, મહાબત મકબરાના રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી, સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને પરિણામે આજે જૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ફરી તેના મૂળ રૂપમાં આવ્યા છે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાત કરે છે અને શહેરમાં પ્રવાસનને વેગ મળ્યો છે એટલે સરકાર ધારે તે થઈ શકે, સરકાર ધારે તો જૂનાગઢને હેરીટેજ શહેરનો દરજ્જો આપી શકે તેમ છે કારણ કે અહીંયા એક નહીં પરંતુ અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે.

ઐતિહાસિક ઈમારતો આપણી ધરોહર આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી હોય છે, ઐતિહાસિક સ્મારકો ઈતિહાસની સાક્ષી પુરતા હોય છે, આપણી ધરોહર સમાન ઐતિહાસિક ઈમારતોની જાળવણી થાય અને તેના થકી પ્રવાસનને પણ વિકસાવી શકાય તેમ છે, જૂનાગઢ શહેરમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે જેનું નવિનીકરણ તો થયું પરંતુ એવી ઘણી ઈમારતો છે જેના તરફ હજુ તંત્રનું ધ્યાન ગયું નથી અને આવી ઈમારતો જાળવણીના અભાવે જર્જરીત હાલતમાં છે, ત્યારે આ અંગે સ્થાનિક નેતાઓ અને જવાબદાર તંત્ર યોગ્ય પગલાં લેશે તો જૂનાગઢ શહેર ખરા અર્થમાં હેરિટેજ સીટી બની શકશે.