બોટાદમાં નગરપાલિકામાં વિવિધ સમિતિમાં ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરાઈ

બોટાદ: બોટાદ નગરપાલિકાની આજરોજ જનરલ બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમિતિના ચેરમેન તેમજ સભ્યની રચના કરવામાં આવી હતી. જેમાં વિવિધ સમિતિના ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એક માત્ર બોટાદ નગરપાલિકા મહિલા સંચાલિત થતા નગરપાલિકાના મહિલા પ્રમુખે ખુશી વ્યક્ત કરી લોકોના કામો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

બોટાદ નગરપાલિકામાં કુલ 44 બેઠકો છે અને જેમાં ભારતીય જનતા પાર્ટીના 41 ઉમેદવારો વિજય બન્યા હતા. સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી સતા પર છે. બોટાદ નગરપાલિકાની પ્રથમ સાધારણ સભા મળી હતી. જેમાં પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને ઉપ પ્રમુખ તરીકે નિરુબેન ત્રાસડીયાની વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે કારોબારી સમિતિ, આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, ગટર સમિતિ સહિત અન્ય સમિતિના ચેરમેનની વરણી જનરલ બેઠકમાં કરવામાં આવી હતી.

જેમાં કારોબારી ચેરમેન સહિત તમામ સમિતિના ચેરમેન તરીકે અને સભ્યોમાં પણ મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં હાલ એકમાત્ર બોટાદ નગરપાલિકામાં મહિલાઓ શાસન કરશે. મહિલા સંચાલિત નગરપાલિકા બની હોવાના કારણે બોટાદ નગરપાલિકાના પ્રમુખે આ વાતની ખુશી વ્યક્ત કરી અને આગામી દિવસોમાં મહિલાઓ લોકોના કામ કરશે તેવા નિવેદન સાથે ખુશી વ્યક્ત કરી હતી. તો બોટાદ નગરપાલિકાના અન્ય સભ્યો અને ભાજપના આગેવાનો દ્વારા તમામ નવનિયુક્ત મહિલા ચેરમેનને ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.

સમિતિની વિગત

  1. કારોબારી સમિતિ = જયશ્રીબેન જાંબુકીયા
  2. સમાજ કલ્યાણ સમિતિ = જોશી આશાબેન
  3. આરોગ્ય સમિતિ = ચુડાસમા સોનલબેન
  4. બાંધકામ સમિતિ = વર્ષાબેન કુકડીયા
  5. નગરરચના/શહેર સુધારણા = ધરજીયા દક્ષાબેન
  6. ફાયર વિભાગ અને વીજળી શખા = ચૌહાણ નીતાબેન
  7. પાણી પુરવઠા = કાળથીયા રમીલાબેન
  8. ગટર સમિતિ = રાઠોડ શીતલબેન
  9. એસ્ટેબલ્સમેન્ટ સમિતિ = બથવાર અવનીબેન