રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ ખાસ કાર્યક્રમ માટે PM મોદીને મોકલ્યું આમંત્રણ

Russia India Relation: ભારતના PM નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં રશિયાની સત્તાવાર મુલાકાતે જઈ શકે છે. રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર વિજયની 80મી વર્ષગાંઠના સમારોહમાં હાજરી આપવા માટે PM મોદીને આમંત્રણ મોકલ્યું છે. નોંધનીય છે કે, આ સમારોહને ‘વિક્ટ્રી-ડે પરેડ’ કહેવામાં આવે છે જેમાં રશિયા પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરે છે. આખી દુનિયાની નજર આ સમારોહ પર ટકેલી છે.

વિક્ટ્રી-ડે પરેડ ક્યારે છે?
રશિયામાં વિક્ટ્રી-ડે પરેડ દર વર્ષે 9 મેના રોજ મોસ્કોના ઐતિહાસિક રેડ સ્ક્વેર પર યોજવામાં આવે છે. રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એન્ડ્રે રુડેન્કોએ માહિતી આપી છે કે ભારતના PM નરેન્દ્ર મોદી આ વર્ષે સમારોહમાં હાજરી આપે તેવી સંભાવના છે. રશિયા તરફથી પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રશિયાએ વિજય દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ઘણા અન્ય મિત્ર દેશોના નેતાઓને પણ આમંત્રણ મોકલ્યા છે.

વિક્ટ્રી-ડે પરેડ સમારોહનો ઈતિહાસ શું છે?
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની નાઝી સેનાએ રશિયા (તત્કાલીન સોવિયેત યુનિયન) પર હુમલો કર્યો હતો અને તબાહી મચાવી હતી. જોકે, શરૂઆતના નુકસાન છતાં સોવિયેત સેનાએ જાન્યુઆરી 1945માં જર્મની સામે આક્રમક ઝૂંબેશ શરૂ કર્યું હતું. ત્યારબાદ 9 મેના રોજ કમાન્ડર-ઇન-ચીફે જર્મનીના બિનશરતી શરણાગતિના કાયદા પર હસ્તાક્ષર કર્યા અને આ સાથે યુદ્ધનો અંત આવ્યો.

PM મોદી જુલાઈ 2024માં રશિયા ગયા હતા
ગયા વર્ષે જુલાઈ મહિનામાં PM મોદી રશિયાની મુલાકાતે ગયા હતા. લગભગ 5 વર્ષમાં પીએમ મોદીની આ પહેલી રશિયા મુલાકાત હતી. આ પહેલા પીએમ મોદીએ 2019માં એક આર્થિક પરિષદમાં હાજરી આપવા માટે રશિયન શહેર વ્લાદિવોસ્તોકની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. પુતિને આ આમંત્રણ સ્વીકારી લીધું છે પરંતુ પુતિનની ભારત મુલાકાતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.