December 22, 2024

આગામી 2 વર્ષમાં સુરતને TB મુક્ત કરાવીશું: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી

અમિત રૂપાપરા, સુરત: સુરતના અડાજણ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ટીબીના 300થી વધુ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતી કે, ટી.બી. ગંભીર રોગ નથી. યોગ્ય કાળજી રાખવાથી રાજ્ય અને દેશને નિશ્ચિતપણે ટી.બી.મુક્ત કરી શકાશે. આગામી બે વર્ષમાં સામૂહિક લડાઈથી સુરતને ટી.બી.મુક્ત બનાવીશું. AM/NS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આયોજિત ‘ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી.મુક્ત ભારત’ કાર્યક્રમ યોજાયો હતો.

વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં અડાજણ પરર્ફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે AMNS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આયોજિત ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી. મુક્ત ભારત કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ટી.બી.દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા-WHO એ વર્ષ 2030 સુધીમાં ટી.બી. નાબૂદીનો નિશ્ચય કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી 2025 સુધીમાં સંપૂર્ણ ભારતને ટી.બી. મુક્ત કરવાનું આહવાન કર્યું છે. સરકાર દ્વારા ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ, નિયમિત લેબોરેટરીની સુવિધા પૂરી પાડે છે. દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને 500ની સહાયને વધારીને ગત વર્ષે 1000 કરી છે, જે બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, જેમ પોલિયોમુક્ત ભારત બનાવવામાં સફળતા મળી છે તેમ સરકાર, સામાજિક સંસ્થાઓના પ્રયાસોથી ટીબીને દેશવટો આપીશું એમ જણાવી મંત્રીએ ઉમેર્યું કે, સુરત, ગુજરાત અને દેશમાંથી ટીબીને સંપૂર્ણ નાબૂદ કરવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રણ સાથે સૌ દર્દીઓ સમયસર દવા લેવા અને પૂરતી કાળજી રાખે તે જરૂરી છે. ટીબીના દર્દીઓને પોષણક્ષમ ખોરાક મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ સાથે સમાજ સેવકો અને દાતાઓના સહયોગથી દર્દીઓને પોષણ આહારની કીટ (ન્યુટ્રીશન કીટ) પૂરી પાડવામાં આવી રહી છે એમ જણાવી આવનાર બે વર્ષમાં ટી.બી. સામે સામૂહિક લડાઈથી ચોક્કસપણે ટી.બી. મુક્ત સુરત બનાવવામાં સફળતાં મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મંત્રી મુકેશ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થત રહેલા સૌને સેવા સેતુ કાર્યક્રમમાં ઘરઆંગણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.