સફેદ ધુમાડો નામ જાહેર કરશે, નવા પોપ કેવી રીતે પસંદ કરવામાં આવે છે; જાણો રસપ્રદ પ્રક્રિયા

Pope Francis Died: 12 વર્ષ સુધી વિશ્વના 1.4 બિલિયન રોમન કૅથલિકોના આધ્યાત્મિક નેતા રહેલા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુથી રોમન કેથોલિક ચર્ચમાં નવા પોપની નિમણૂકની પરંપરાગત અને રહસ્યમય પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયાને કોન્ક્લેવ કહેવામાં આવે છે. વાસ્તવમાં પોપને કેથોલિક ચર્ચના સર્વોચ્ચ વડા માનવામાં આવે છે. તેમને સેન્ટ પીટરના અનુગામી માનવામાં આવે છે, જે ઈસુ ખ્રિસ્તના શિષ્યોમાં મુખ્ય હતા. આ કારણોસર પોપને ચર્ચના સિદ્ધાંતો અને માન્યતાઓ પર સંપૂર્ણ અધિકાર છે.
નવા પોપની પસંદગી કેવી રીતે થાય છે?
પોપ ફ્રાન્સિસના અવસાન પછી આગામી પોપ કોણ હશે તે અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે? નોંધનીય છે કે પોપની પસંદગીની પ્રક્રિયા પણ રસપ્રદ છે. પોપના મૃત્યુ પછી, કોલેજ ઓફ કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. કાર્ડિનલ્સ કોલેજમાં 252 વરિષ્ઠ કેથોલિક અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમાંથી ફક્ત 138 જ 80 વર્ષથી ઓછી ઉંમરના છે અને મતદાન કરવા માટે લાયક છે. બાકીના સભ્યો ચર્ચામાં જોડાઈ શકે છે.
સફેદ ધુમાડા પછી નામ જાહેર કરવામાં આવે છે
મતદાન વેટિકનના સિસ્ટાઇન ચેપલમાં થાય છે, જ્યાં માઇકેલેન્જેલોના પ્રખ્યાત પેઇન્ટિંગ છે. નવા પોપની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્ડિનલ્સ ચર્ચનું સંચાલન કરે છે. જ્યારે સિસ્ટીન ચેપલમાંથી કાળા ધુમાડાને બદલે સફેદ ધુમાડો નીકળે ત્યારે તે વિશ્વને સંકેત આપે છે કે નવા પોપની પસંદગી કરવામાં આવી છે. સફેદ ધુમાડા પછી એક વરિષ્ઠ કાર્ડિનલ બાલ્કનીમાં આવે છે અને “હેબેમસ પાપમ” ની જાહેરાત કરે છે, જેનો અર્થ થાય છે “આપણને પોપ મળી ગયા છે.” આ પછી નવા પોપ લોકો સમક્ષ તેમના પસંદ કરેલા નામ સાથે હાજર થાય છે.
આગામી પોપ કોણ હશે?
જોકે સિદ્ધાંતમાં કોઈપણ બાપ્તિસ્મા પામેલા રોમન કેથોલિક પુરુષ પોપ બની શકે છે, પરંપરા એ રહી છે કે કાર્ડિનલ્સમાંથી એકને પસંદ કરવામાં આવે. 2013માં ચૂંટાયેલા પોપ ફ્રાન્સિસ દક્ષિણ અમેરિકાના પહેલા પોપ હતા, પરંતુ અત્યાર સુધીના 266 પોપમાંથી 217 પોપ ઇટાલીના છે, જે સૂચવે છે કે આગામી પોપ યુરોપિયન પણ હોઈ શકે છે, અને સંભવતઃ ઇટાલીના પણ હોઈ શકે છે.