January 10, 2025

શું છે ગ્રુમિંગ ગેંગ વિવાદ… જેની પર શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની વ્હારે આવ્યા એલન મસ્ક?

Grooming gang: બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે તાજેતરમાં બાળ દુર્વ્યવહાર પર બોલતી વખતે ‘એશિયન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે બાદ આ શબ્દ પર વિવાદ થયો. રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો. આ સાથે તેમણે કહ્યું કે આ બધા ગુનાઓ પાછળ આ એશિયન દેશો નહીં પણ પાકિસ્તાનનો હાથ છે. ચતુર્વેદીના આ નિવેદન સાથે અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્ક પણ સંમત થયા છે.

આ સમગ્ર વિવાદ પર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ નિવેદન આપ્યું છે. જેને અમેરિકન અબજોપતિ એલન મસ્કે ટેકો આપ્યો છે. પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને લખ્યું કે આ ‘એશિયન’ ગ્રુમિંગ ગેંગ નથી, પરંતુ ‘પાકિસ્તાની’ ગ્રુમિંગ ગેંગ છે. આના પર, એલન મસ્કે ‘True’ લખીને તેમનું સમર્થન કર્યું છે. પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એક દેશની ભૂલો માટે સમગ્ર એશિયન સમુદાયને શા માટે દોષિત ઠેરવવામાં આવે?

પ્રિયંકાએ જેના પર સવાલ ઉઠાવ્યા તે નિવેદન શું છે?
કીર સ્ટાર્મરના એ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે 2008 થી 2013 દરમિયાન ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) ના વડા તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે પ્રથમ એશિયન ગ્રુમિંગ ગેંગ પર કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: AMCની ભરતીમાં ગેરરીતિ મામલે વધુ 3 આરોપીની ધરપકડ, કારંજ પોલીસની કાર્યવાહી

હકીકતમાં, વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ ઉત્તર ઇંગ્લેન્ડમાં બાળકો સામે દાયકાઓ જૂના જાતીય ગુનાઓની રાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. ઘણા કેસોમાં ગુનેગારો પાકિસ્તાની મૂળના હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ જ વડા પ્રધાને આ નિવેદન આપ્યું હતું. યુનાઇટેડ કિંગડમ લાંબા સમયથી ગ્રુમિંગ ગેંગના કાળા ઇતિહાસ સાથે ઝઝૂમી રહ્યું છે.

ગ્રુમિંગ ગેંગ કેવી રીતે કામ કરે છે?
ગ્રુમિંગ ગેંગનો અર્થ એ છે કે જેઓ નાની છોકરીઓને પોતાનો શિકાર બનાવે છે અને તેમનું શારીરિક અને માનસિક શોષણ કરે છે. આમાં, લોકો પહેલા નાની છોકરીઓ સાથે મિત્રતા શરૂ કરે છે. મિત્રો બન્યા પછી, તેમનો વિશ્વાસ જીતે છે. બાદમાં તેઓ તેમના વિશ્વાસનો લાભ લે છે અને તેમનું શોષણ કરે છે.

આ સાથે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શારીરિક સંબંધો બાંધવા ઉપરાંત, આ લોકો યુવાન છોકરીઓને ડ્રગ્સની લત પણ લગાવે છે. જે પછી તેમને શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરવામાં આવે છે. ગેંગના સભ્યો દ્વારા ઘણી છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે વેચવામાં આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે તે સમયે કુલ 1,400 છોકરીઓનું શોષણ થયું હતું. કેટલીક છોકરીઓની ઉંમર 11 વર્ષ હતી.