કોલકાતાના કેસમાં મમતા રાજનીતિ કરવાના મૂડમાં, કહ્યું – રામ અને વામનું કામ!
કોલકાતાઃ શહેરમાં રેસિડેન્સ ડોક્ટર સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ સમગ્ર દેશમાં જ્વાળામુખી જેવો માહોલ છે. ત્યારે દેશભરમાં આ ઘટનાને લઈને વિરોધ થઈ રહ્યો છે. પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ મામલે રાજનીતિ કરવાના મૂડમાં છે. ફરી એકવાર તેમણે બફાટ કર્યો છે અને જણાવ્યું છે કે, આ રામ અને વામ એકસાથે મળીને કરી રહ્યા છે.
આ સમગ્ર મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે જવાબમાં કહ્યું હતું કે, આ રામ અને વામનું કામ છે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી મને જાણકારી છે, હું વિદ્યાર્થીઓને આરોપી નહીં કહું. વામ અને રામ એકસાથે મળીને આ કરી રહ્યા છે…’ તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આ પ્રકારનો બનાવ ઉત્તર પ્રદેશના હાથરસમાં પણ બન્યો હતો. હવે દેશમાં ક્યાં ક્યાં આ પ્રકારની ઘટના બની છે, આ વિષય પર ચર્ચા કરીને શું અને કેટલો લાભ થઈ શકે છે, તે સમજણ બહાર છે!
આ પણ વાંચોઃ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તોડફોડ મામલે 19ની ધરપકડ
આ મુદ્દાને સમજીએ તો મમતા બેનર્જી કહી રહ્યા છે કે, રામ અને તેને પૂજનારા ડાબેરીઓ એકસાથે મળીને આ બધું કરી રહ્યા છે. જે હોસ્પિટલમાં આ ઘટના બની હતી, ત્યાં એક ટોળાએ ઘૂસીને તોડફોડ કરી હતી અને હિંસા ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે તમામ પુરાવાઓ પણ નાશ કરવામાં આવી રહ્યા હોય તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે નિવેદન આપતા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બફાટ કર્યો હતો.
કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં તોડફોડ-હિંસા
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ અને હિંસા ફેલાવનારા 19 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કોલકાતા પોલીસે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે, ‘આરજી કર મેડિકલ કોલેજમાં તોડફોડ મામલે 19 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી પાંચ સોશિયલ મીડિયા પર આવેલા ફિડબેકમાંથી ઝડપાયા છે.’ પોલીસે મદદ કરવા માટે લોકોનો આભાર માન્યો છે.