February 25, 2025

48 કલાક બાદ વાતાવરણમાં થશે ફેરફાર, દિલ્હી-NCRમાં વરસાદની આગાહી; ઉત્તરપ્રદેશમાં વધી શકે છે ઠંડી

Delhi: ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને પંજાબમાં ફરી વરસાદની શક્યતા છે. મંગળવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આવી સ્થિતિમાં બુધવાર અને શુક્રવાર વચ્ચે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

IMD દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 27-29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11-13 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં 27 અને 28 ફેબ્રુઆરીએ ફરી વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતા એક ડિગ્રી ઓછું છે.

ઉત્તર પ્રદેશમાં હવામાનમાં ફેરફારને કારણે હળવી ઠંડી વધી શકે છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 27 અને 28 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ઠંડી વધુ વધી શકે છે. રાજ્યમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બિહારમાં તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનથી 22 માછીમારોની વતન વાપસી, અન્ય માછીમારોને વહેલી તકે મુક્ત કરવાની માગ