November 25, 2024

દિલ્હીની હવામાં સુધારો થતા લોકોએ લીધો રાહતનો શ્વાસ, ક્યારે પડશે હાડ થીજવતી ઠંડી?

Delhi: દેશભરમાં શિયાળાએ દસ્તક આપી છે. પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાષ્ટ્રીય રાજધાની સહિત મોટાભાગના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ધુમ્મસની સાથે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. પરંતુ દિવસના વાતાવરણમાં ખાસ ફેરફાર જોવા મળી રહ્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદૂષણે પણ રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોને પરેશાન કર્યા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 25 નવેમ્બરે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ સિવાય સવાર-સાંજ ધુમ્મસની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બર સુધી દિલ્હીમાં દિવસનું તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. જ્યારે રાત્રે તે ઘટીને 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. આ સિવાય આગામી થોડા દિવસોમાં નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં તીવ્ર વધારો થઈ શકે છે..

આ પણ વાંચો: ઠંડીના ચમકારામાં વધારો, અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 16 ડિગ્રી તાપમાન નોંધાયું

દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ત્રણ દિવસ સુધી સ્થિતિ એવી જ રહેવાની ધારણા છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એપ સમીરના જણાવ્યા અનુસાર આજે દિલ્હીના AQIમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. આજનો AQI 278 છે. કેટલાક વિસ્તારોમાં AQI 300 થી ઉપર છે.