November 19, 2024

પ્રદુષણે વધાર્યું દિલ્હીવાસીઓનું ટેન્શન, AQI 500ને પાર; ઓરેન્જ એલર્ટ જારી

Delhi: પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશભરમાં શિયાળાએ દસ્તક આપી છે. IMDની જાહેરાત મુજબ લા નીનાને કારણે આ વખતે તીવ્ર શિયાળો પડવાની સંભાવના છે. તાપમાનમાં ઘટાડો થવાની સાથે સાથે દેશના મોટાભાગના રાજ્યોમાં ધુમ્મસ પણ શરૂ થઈ ગયું છે. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરના લોકો ગાઢ ધુમ્મસ સાથે ખતરનાક વાયુ પ્રદૂષણના બેવડા હુમલાનો સામનો કરી રહ્યા છે.

હવામાન વિભાગે જણાવ્યું કે સોમવાર (18 નવેમ્બર) દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો. વિભાગ અનુસાર દિલ્હી અને NCRના લોકોને આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશે. IMDની આગાહી અનુસાર, દિલ્હીમાં આજે 19 નવેમ્બરે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે સાંજ અને રાત્રિ દરમિયાન દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ધુમ્મસને લઈ ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી કરી છે. દિલ્હી સંપૂર્ણપણે ગેસ ચેમ્બર બની ગયું છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 500 કે તેથી વધુ સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો: બ્રાઝિલમાં પણ PM મોદીનો જલવો, રાષ્ટ્રપતિ સિલ્વાએ ખભા પર હાથ રાખીને કરી વાતો