December 21, 2024

ઉનાળાની શરૂઆતમાં જ મેશ્વો ડેમના નદી કાંઠાના ગામોમાં પાણીની સમસ્યા

મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

સંકેત પટેલ, શામળાજી: ઉનાળાની શરૂઆત થતાં મેશ્વો ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે. હજી તો ઉનાળાનો પ્રારંભ થયો છે. ગરમીનો પારો ધીમે ધીમે 40 ડિગ્રીને પાર થવા માંડ્યો છે. તેવામાં શામળાજી મેશ્વો ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીના પોકાર પડવા લાગ્યા છે.

મેશ્વો ડેમ નદી કાંઠાના શામળાજી, શામળપુર, ખારી, મેરાવાડા, સુનોખ સહિતના 15થી વધુ ગામોમાં કુવા બોરના જળસ્તર ઊંડા જતા રહેતા વિસ્તારના ગામોમાં હાલ પશુઓ માટે પીવાના પાણીની તેમજ વાપરવા માટેના પાણીની સમસ્યા ઉભી થઇ છે. જેથી લોકો પરેશાન બન્યા છે અને પાણી છોડવાની માંગ સાથે નદીમાં બેસી રામધૂન કરવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે સુરતની નવી સિવિલમાં રોજ 500 ટોકન અપાશે

ખાસ કરીને ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું ત્યાર બાદ ડેમમાંથી આજ દિન સુધી એકપણ વાર પાણી છોડવામાં નહિ આવતા હાલ મેશ્વો નદી સૂકી ભઠ્ઠ વેરાન ભાસી રહી છે. નદીમાં ક્યાંય પણ દૂર-દૂર સુધી પાણી જોવા નહીં મળતા મૂંગા પશુઓ પાણી વગર તરસ છીપાવવા જ્યા ત્યાં ભટકી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં કુવા બોરમાં પાણીની આવી સ્થિતિ ઉભી થઇ છે તેવામાં આગામી ઉનાળામાં પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે દ્વિધામાં ચિંતાતુર બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ખાસ કરીને મહિલાઓને પણ વહેલી સવારથી પાણી માટે દૂર-દૂર સુધી ઘરનું કામ છોડી જ્યાં ત્યાં ભટકવુ પડી રહ્યું છે. કલાકોની જહેમત બાદ મળેલું એક બે બેડાં પાણીથી પશુઓની પ્યાસ કેવી રીતે બુઝાવવી તે સમસ્યા છે.