દેશમાં આજથી જ વકફ એમેન્ડમેન્ટ એક્ટ લાગુ, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

Waqf Amendment Act: કેન્દ્ર સરકારે વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે નવો વકફ કાયદો આજથી (8 એપ્રિલ-2025)થી લાગુ કરવામાં આવશે. સંસદના બંને ગૃહો દ્વારા વક્ફ સુધારા બિલ પસાર થયા બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલે તેને મંજૂરી આપી હતી. નોંધનીય છે કે, દેશના ઘણા રાજ્યોમાં નવા વક્ફ કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP) એ અલગ-અલગ અરજીઓ સાથે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કેન્દ્ર સરકારના મતે આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે. લોકસભામાં વક્ફ બિલના પક્ષમાં 288 મત પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા.
The Central Government appoints the 8th day of April 2025 as the date on which the provisions of the Waqf Act shall come into force pic.twitter.com/eNKcQt3zLq
— ANI (@ANI) April 8, 2025
આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 15 અરજીઓ દાખલ કરવામાં આવી છે. બીજી બાજુ, કેન્દ્ર સરકારે એકપક્ષીય આદેશની શક્યતા ટાળવા માટે કેવિયેટ દાખલ કરી. મણિપુર, પશ્ચિમ બંગાળ અને પટના સહિત દેશના ઘણા રાજ્યોમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
જમાત-એ-ઇસ્લામી હિંદે વકફ કાયદાને લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જમાત-એ-ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સદાતુલ્લાહ હુસૈનીએ કહ્યું, “વકફ કાયદો દેશના મુસ્લિમોની વિરુદ્ધ છે.” મને લાગે છે કે આ કાયદો વકફના વહીવટને સુધારવામાં મદદ કરતો નથી.”