Video: પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યા બાદ વિનેશ ફોગાટે માતાને આપ્યું ખાસ વચન

Vinesh Phogat Video: વિનેશ ફોગાટે સોમવારે પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની હતી. તેણે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હરાવ્યો હતો. આ મેચ જીત્યા બાદ વિનેશે તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરી અને ખાસ વચન આપ્યું હતું. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સેમીફાઈનલમાં વિનેશનો વિજય
સોમવારે રમાયેલી મેચમાં વિનેશ પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં તેણીએ ક્યુબાની કુસ્તીબાજ પર ડબલ લેગ એટેક કર્યો અને ચાર પોઈન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતું.

માતાને ગોલ્ડ જીતવાનું વચન આપ્યું
ફાઇનલમાં પહોંચ્યા બાદ વિનેશે તેની માતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. આ વીડિયોને વિશ્વ કુશ્તીની સર્વોચ્ચ સંસ્થા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) દ્વારા તેના સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં વિનેશ તેની માતા અને પરિવારના સભ્યો સાથે વાત કરતી જોઈ શકાય છે. આ દરમિયાન તેને કહેતા સાંભળી શકાય છે કે,’ગોલ્ડ લાવવાનો છે… ગોલ્ડ’.

ફાઇનલમાં આ અમેરિકન રેસલરનો સામનો થશે
ફાઇનલમાં વિનેશનો સામનો અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે થશે. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ મેચ મોડી રાત્રે 12:30 વાગ્યે (8 ઓગસ્ટ) રમાશે.