વક્ફ એક્ટ વિરુદ્ધ બંગાળમાં ફરી હિંસા ભડકી, દક્ષિણ 24-પરગણા જિલ્લામાં પોલીસ વાહનો સળગાવી દીધા

Waqf Bill Protest: પશ્ચિમ બંગાળમાં આજે ફરી એકવાર વકફ એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણ 24 પરગણાના ભાંગડમાં વિરોધીઓએ પોલીસ વાહનોને આગ ચાંપી દીધી અને ભારે તોડફોડ પણ કરી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

દક્ષિણ 24 પરગણામાં પોલીસે લાઠીચાર્જ કર્યો
વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આજે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં ISF ધારાસભ્ય નૌશાદ સિદ્દીકી વક્ફ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા, જેમાં પોલીસે વિરોધીઓને સામેલ થતાં અટકાવ્યા હતા. આ પછી પ્રદર્શનકારીઓ હિંસક બન્યા અને બારામપુરમાં રસ્તો બ્લોક કરી દીધો, જેના પગલે પોલીસે લાઠીચાર્જ કર્યો.

‘આખું ગામ સળગાવી દીધું’
મુર્શિદાબાદ હિંસા અંગે પશ્ચિમ બંગાળ સીપીઆઈ(એમ)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે કહ્યું, “ઘણા પ્રયત્નો બાદ હું તે સ્થળે પહોંચી શક્યો જ્યાં બધી હિંસા થઈ હતી અને લોકો માર્યા ગયા હતા. ત્યાં કોઈ પોલીસ હાજર નહોતી. ગ્રામજનોની વારંવાર વિનંતી છતાં, પોલીસે તોફાનીઓને અરાજકતા ફેલાવવાની મંજૂરી આપી. આખું ગામ બાળી નાખવામાં આવ્યું હતું, તબાહ કરી દેવામાં આવ્યું હતું, લૂંટાઈ ગયું હતું અને ત્યાં કોઈ પોલીસ કે ફાયર બ્રિગેડની ગાડી નહોતી.”